શ્રીનગરમાંથી કલમ 370 હટાવ્યા બાદ હવે જમ્મુ-કાશ્મીરમાં રોકાણની ગતિ તેજ થવા લાગી છે. હકીકતમાં વિદેશી રોકાણ દ્વારા હવે જમ્મુ-કાશ્મીરમાં વિકાસનો પવન ફૂંકાવા જઈ રહ્યો છે. અનુચ્છેદ 370 નાબૂદ થયા પછી ઘણા વિદેશી ઉદ્યોગપતિઓ દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાત લેવામાં આવી છે. આવી સ્થિતિમાં હવે શ્રીનગરમાં એક શોપિંગ મોલ બનવા જઈ રહ્યો છે. આટલું જ નહીં, શોપિંગ મોલ સિવાય શ્રીનગરમાં બે આઈટી ટાવર પણ બનવા જઈ રહ્યા છે. તેની સૌથી મહત્વની વાત એ છે કે આ મોલ Emaar કંપની દ્વારા બનાવવામાં આવનાર છે. જણાવી દઈએ કે આ એ જ કંપની છે જેણે દુનિયાની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફાનું નિર્માણ કર્યું હતું.
ઈમાર પ્રોપર્ટીઝના સીઈઓ અમિત જૈને આ અંગે જણાવ્યું હતું કે શ્રીનગરમાં નિર્માણ થનારો આ દેશનો સૌથી મોટો મોલ હશે. આ મોલમાં ઓછામાં ઓછી 500 દુકાનો હશે અને આ મોલમાં લુલુ ગ્રુપ દ્વારા એક હાઇપરમાર્કેટ પણ ખોલવામાં આવશે. તમને જણાવી દઈએ કે હાલમાં જ લખનૌમાં લુલુ ગ્રુપ દ્વારા એક વિશાળ મોલ બનાવવામાં આવ્યો છે, જે ચર્ચામાં રહે છે. લુલુ ગ્રુપ સમગ્ર પશ્ચિમ એશિયામાં સંખ્યાબંધ સુપરમાર્કેટ ચલાવે છે. ગ્રુપના ચેરમેન એમએ યુસુફનું કહેવું છે કે લુલુ ગ્રુપે શોપિંગ મોલમાં હાઈપરમાર્કેટ ખોલવા માટે કરાર કર્યો છે.
રવિવારે જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું કે મને લાગે છે કે જમ્મુ-કાશ્મીર ઔદ્યોગિક પ્રગતિ તરફ આગળ વધી રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરે તાજેતરના વર્ષોમાં માળખાકીય સુધારા સાથે પ્રભાવશાળી પ્રગતિ કરી છે. વિદેશી રોકાણકારો અંગે મનોજ સિન્હાએ કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. જણાવી દઈએ કે શ્રીનગરમાં આઈટી ટાવર બનાવવાનો કુલ ખર્ચ 150 કરોડ રૂપિયા આવશે. આ સંદર્ભે સેમ્પોરામાં ટાવર તૈયાર કરવા માટે જમીન આપવામાં આવી છે. સાથે જ આગામી મહિના સુધીમાં આ અંગે શિલાન્યાસ પણ કરવામાં આવશે. અને મેગા મોલ 10 લાખ ચોરસ ફૂટમાં બનશે. તેને તૈયાર કરવા માટે 500 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.