આસામના કરીમગંજ જિલ્લામાં બજરંગ દળના કાર્યકરની હત્યા બાદ તણાવ પ્રવર્તી રહ્યો છે. સાવચેતીના પગલા તરીકે, જિલ્લાના કેટલાક ભાગોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. પોલીસે આ અંગે માહિતી આપી છે.
16 વર્ષના કામદારની તીક્ષ્ણ હથિયારથી હત્યા
ઉલ્લેખનીય છે કે, 16 વર્ષીય સંભુ કોઈરીની શનિવારે સાંજે કરીમગંજથી લગભગ 50 કિલોમીટર દૂર લોએરપુઆ વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેના પર ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો ત્યારે થયો જ્યારે સંભુ પડોશી હૈલાકાંડી જિલ્લામાં બજરંગ દળના ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિરમાંથી પરત ફરી રહ્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા સંભુને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો
બીજી તરફ આ ઘટનાને પગલે રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. લોકોએ સંભુના હત્યારાઓની ધરપકડની માંગ કરી અને હોબાળો મચાવ્યો. પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં વિશેષ પોલીસ દળ પણ તૈનાત કરવામાં આવ્યું છે.