મહારાષ્ટ્રમાં તાંત્રિકે ચામાં ઝેર આપીને 9 લોકોની હત્યા કરી
ગુપ્ત ધન કાઢવા તાંત્રિકને રૂ.1 કરોડ આપ્યા હતા
જમીનમાંથી ધન ન મળતાં બંને ભાઈએ તાંત્રિક પર પૈસા પરત કરવાનું દબાણ શરૂ કર્યું હતું
મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં 20 જૂને થયેલા 9 લોકોનાં મૃત્યુના મામલામાં નવો વળાંક આવ્યો છે. હવે આ મામલો સામૂહિક હત્યાકાંડનો બની ગયો છે. ઘટસ્ફોટ પહેલાં આ મામલાને આત્મહત્યાનો મામલો માનવામાં આવતો હતો. પોલીસ તપાસમાં એ વાત બહાર આવી છે કે બે ભાઈના પરિવારને એક તાંત્રિક અને તેના જ ડ્રાઈવરે ઝેર આપીને મારી નાખ્યો હતો. હાલ બંને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. 20 જૂને મ્હૈસલ ગામમાં બંને ભાઈનાં ઘરોમાંથી પરિવારના સભ્યોના 9 શબ મળ્યા હતા. બંને ભાઈઓમાં એક શિક્ષક અને બીજો પશુનો ડોક્ટર હતો.
પ્રાથમિક તપાસ અનુસાર મુખ્ય આરોપી અબ્બાસ મોહમ્મદ અલી બાગવાન 19 જૂને પોતાના ડ્રાઈવર ધીરજ ચંદ્રકાંત સુરવશેની સાથે મ્હૈસલ ગામમાં વનમોરેબધુઓના ઘરે પહોંચ્યો હતો. પછીથી તેણે છુપાયેલા ખજાનાને શોધવા માટે તંત્ર-મંત્રની પ્રક્રિયા શરૂ કરી. આ દરમિયાન તેણે પરિવારના સભ્યોને ઘરના ધાબે મોકલ્યા હતા. પછીથી તેમને એક-એક કરીને નીચે બોલાવ્યા અને ચા પીવા માટે કહ્યું હતું. એમાં પહેલેથી જ કોઈ ઝેરી પદાર્થ નાખવામાં આવ્યો હતો. એમ કહેવાઈ રહ્યું છે કે આ ચા પીધા પછી વનમોરે પરિવારના લોકો થોડા જ કલાકોમાં મૃત્યુ પામ્યા હતા.
પોલીસ મહાનિરીક્ષક(કોલ્હાપુર રેન્જ) મનોજ કુમાર લોહિયાના જણાવ્યા મુજબ, તાંત્રિક અબ્બાસે વનમોરે ભાઈઓ(ડો. માણિક વનમોરે અને પોપટ વનમોરે) માટે ગુપ્ત ધન શોધવાનો વાયદો કર્યો હતો અને એની અવેજીમાં તેણે મોટી રકમ (લગભગ 1 કરોડ રૂપિયા) પણ લીધી હતી. જ્યારે ગુપ્ત ધન ન મળ્યું તો વનમોરે બંધુ તાંત્રિક પાસેથી પોતાની રકમ પરત માગવા લાગ્યા હતા. જોકે અબ્બાસ રૂપિયાને પરત કરવા માગતો નહોતો. જોકે રૂપિયા પરત આપવાનું દબાણ વધ્યા પછી તેણે વનમોરેબધુઓના આખા પરિવારનું જ નિકદન કાઢી નાખવાની યોજના બનાવી હતી.
પોલીસને શરૂઆતમાં એમ લાગ્યું કે આ સુસાઈડનો કેસ છે, કારણ કે સુસાઈડ નોટમાં મૃતક પરિવારને પૈસા આપનારા નાના-મોટા શાહુકારોને પોતાના મૃત્યુ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. એમ કહેવાઈ રહ્યું છે કે ગુપ્ત ધનની લાલચમાં વનમોરેબંધુઓએ લોન પણ લીધી હતી. આ કેસમાં 25 આરોપીઓમાંથી 19ની આત્મહત્યા માટે પ્રેરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે પોલીસની તપાસ અહીં અટકી નહોતી, કારણ કે ઘટનાસ્થળમાંથી માત્ર એક જ શબની પાસેથી ઝેરની બોટલ મળી હતી.
બીજી તરફ ડો.માણિક વનમોરે અને પોપટ વનમોરે તેમના ગુપ્ત ધન વિશે અન્ય લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા. મોડી રાત સુધી બંને ભાઈ આ અંગે ફોન કોલ કરીને વાત કરતા હતા. પોલીસે તેમની કોલ ડિટેલ્સ કાઢી અને ચકાસી તો અન્ય બે નામ અબ્બાસ મોહમ્મદ અલ બાગવાન અને ધીરજ ચંદ્રકાત સુરવશેનાં નામ બહાર આવ્યાં હતાં. સાંગલી જિલ્લાના એસપી દીક્ષિત ગેદામે કહ્યું કે મુખ્ય આરોપી અબ્બાસ બાગવાન અને સુરવાસેની સોલાપુરમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. બંને પર ઈન્ડિયન પિનલ કોડની કલમ 302 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે. આજે બંનેને સાંગલી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.