પ્રધાનમંત્રી મોદીની ઉજ્જૈન યાત્રા પહેલા, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે કેબિનેટની બેઠકની અધ્યક્ષતા કરી અને આ દરમિયાન ‘મહાકાલ’નો ફોટો ખુરશી પર રાખ્યો હતો. આ બેઠક દરમિયાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, આ મહાકાલ મહારાજની સરકાર છે. જે અહીંના રાજા છે. તેમના તમામ સેવક મહાકાલ મહારાજની ધરતી પર એક બેઠક માટે આવ્યા છે. આ એક ઐતિહાસિક ક્ષણ છે, આપણા બધા માટે. અમે કલ્પના કરી હતી કે, મહાકાલ મહારાજના પરિસરનો વિસ્તાર કરવામાં આવે.
સીએમે કહ્યું કે, અમે કેટલાય મકાન વિસ્થાપિત કર્યા, તેમને કષ્ટ ન આપતા 150 કરોડ રૂપિયાના ખર્ચે તેમને વિસ્થાપિત કર્યા. કેટલાય વિકાસના કામ કર્યા, રુદ્રસાગરને અમે પુનર્જિવીત કર્યું છે. તેમાં ક્ષિપ્રા નદીનું પાણી રહેશે. મંદિરમાં લાઈટિંગ અને સાઉંડ સહિત મહાકાલ પથનું નિર્માણ કર્યું છે. બીજા તબક્કામાં પણ કેટલાય કામ પૂર્ણ થવાના છે.
આ પહેલી વાર હતું જ્યારે ઉજ્જૈનમાં રાજ્ય કેબિનેટની બેઠક થઈ હતી, જ્યાં ભગવાન શિવને સમર્પિત પ્રસિદ્ધ મંદિર છે.હકીકતમાં પ્રધાનમંત્રી મોદી 11 ઓક્ટોબરે ઉ્જ્જૈનમાં 750 કરોડના ખર્ચે મહાકાલેશ્વર મંદિર કોરિડોર પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. 900 મીટરના કોરિડોરમાં શિવ, શક્તિ અને અન્ય ધાર્મિક સંસ્થાઓથી સંબંધિત લગભગ 200 મૂર્તિઓ અને ભિત ચિત્રો હશે.
પ્રોજેક્ટના પહેલા તબક્કામાં 351 કરોડ રૂપિયાનું કામ પુરુ થઈ ચુક્યું છે. બીજા તબક્કામા અન્ય 310.22 કરોડ ખર્ચ કરવામાં આવશે. રાજ્ય મંત્રીમંડળ પરિસરનું નામ મહાકાલ લોક રાખવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં મુખ્યમંત્રી ચૌહાણે કહ્યું કે, 11 ઓક્ટોબરે ઉજ્જૈનમાં સ્થાનિક જાહેર રજા રહેશે.