બળવાખોર ધારાસભ્યોથી નારાજ શિવસૈનિકો રસ્તા પર ઉતર્યા
શિંદેની નજીકના ધારાસભ્ય સાવંતના ઘરે તોડફોડ કર
શિવસૈનિકો રસ્તા પર ઉતરતા મુંબઈમાં 144 કલમ લાગુ કરા
મહારાષ્ટ્રમાં છેલ્લાં ચાર દિવસથી ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે સાંજે શરદ પવારની સાથે બે કલાક મીટિંગ કરી. જે બાદ તેમને શિવસેનાના નગરસેવકોને સંબોધન કર્યું. ઠાકરેએ કહ્યું કે થોડો દિવસ પહેલાં જ્યારે મને બળવાની શંકા થઈ તો મેં એકનાથ શિંદેને ફોન કર્યો અને કહ્યું કે શિવસેનાને આગળ લઈ જવાનું તમારું કર્તવ્ય પુરું કરો, આવું કરવું યોગ્ય નથી.
મહારાષ્ટ્રમાં શિવસેનાની આંતરિક વિખવાદ હવે હિંસામાં ફેરવાઈ ગયો છે. ઘણી જગ્યાએ શિવસેનાના કાર્યકરોએ બળવાખોર નેતાઓના ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. આ દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટનાને અટકાવવા માટે મુંબઈમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. ઉદ્ધવ ઠાકરે સીએમ હાઉસ પહોંચી ગયા છે. અહીં તેઓ રાજ્ય કારોબારીની બેઠકને સંબોધશે. બેઠકમાં પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે તેમના પુત્ર આદિત્ય ઠાકરે અને ઘણા મોટા નેતાઓએ હાજરી આપી છે.
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી અને બળવાખોર ધારાસભ્ય દીપક કેસરકરે ખુલાસો કર્યો છે કે એકનાથ શિંદેના જૂથ તરફથી શિવસેનાના ધારાસભ્યોના સમર્થનથી ‘શિવસેના બાલાસાહેબ’નું નવું જૂથ બનાવવામાં આવ્યું છે. ગુવાહાટીમાં બળવાખોર ધારાસભ્યોએ શિવસેના બાલાસાહેબ ઠાકરે નામના નવા જૂથની રચના કરવાની જાહેરાત કરી છે.
આ જૂથમાં શિવસેનાના 38 ધારાસભ્યો સામેલ છે. તમામના નામોની યાદી પણ જાહેર કરવામાં આવી છે. આ પહેલા શિંદેએ 23 જૂને શિવસેનાના 34 ધારાસભ્યોની યાદી જાહેર કરી હતી. મહારાષ્ટ્રમાં સરકાર પાડવા માટે શિંદેને માત્ર શિવસેનાના 37 ધારાસભ્યોની જરૂર છે. નોંધનીય છે કે શિંદે જૂથનો દાવો છે કે તેમની પાસે શિવસેનાના 40 થી વધુ ધારાસભ્યો અને અન્ય કેયલાક અપક્ષના ધારાસભ્યનું સમર્થન છે.
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ઘરે પહોંચ્યા હતા. આ સાથે ભાજપના અનેક નેતાઓ પણ તેમના ઘરે બેઠકમાં હાજર રહ્યા હતા.
મહારાષ્ટ્ર ભાજપનાં નેતા દેવેન્દ્ર ફડણવીસને મળ્યા બાદ RPI નેતા રામદાસ આઠવલેએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે શિવસૈનિકો હવે ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે શિંદે જૂથ પાસે સંખ્યાબળ છે. જો કે, તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે ફડણવીસે શિવસેનાના આંતરિક વિવાદથી ભાજપને દૂર રહેવાની વાત કરી છે.