બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન અને તેની ટીમને કસ્ટમ વિભાગે શુક્રવારે મોડી રાત્રે મુંબઈ એરપોર્ટ પર રોકી રાખ્યા હોવાની વાત સામે આવી છે. વિગતો મુજબ લગભગ એક કલાકની પૂછપરછ બાદ શાહરૂખ ખાન અને તેની મેનેજર પૂજા દદલાની એરપોર્ટથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. પરંતુ કિંગ ખાનના બોડીગાર્ડ રવિ અને ટીમ કસ્ટમ્સ દ્વારા ઝડપાઈ ગયા હતા. અહેવાલો અનુસાર લાખો રૂપિયાની ઘડિયાળ ભારતમાં લાવવા, બેગમાંથી મોંઘી ઘડિયાળના ખાલી બોક્સ મળવા અને કસ્ટમ ડ્યુટી ન ભરવા માટે શાહરૂખ ખાનની પૂછપરછ કરવામાં આવી હતી.
વાત જાણે એમ છે કે, શાહરૂખ ખાન એક બુક લોન્ચ ઈવેન્ટમાં હાજરી આપવા માટે ખાનગી ચાર્ટર VTR-SGની પોતાની ટીમ સાથે દુબઈ ગયો હતો. આ ખાનગી ચાર્ટર ફ્લાઈટ દ્વારા ગઈકાલે રાત્રે 12:30 વાગ્યે મુંબઈ પરત ફર્યા હતા. રેડ ચેનલ પાર કરતી વખતે કસ્ટમ્સને શાહરૂખ ખાન અને તેની ટીમની બેગમાંથી લાખો રૂપિયાની ઘડિયાળો મળી આવી હતી. આ પછી કસ્ટમે બધાને રોક્યા અને બેગની તપાસ કરવામાં આવી.
જોકે આ તપાસ દરમિયાન બેગમાંથી ઘણી મોંઘી ઘડિયાળો બાબુન અને ઝુર્બક ઘડિયાળ, રોલેક્સ ઘડિયાળના 6 બોક્સ, સ્પિરિટ બ્રાન્ડની ઘડિયાળ (આશરે રૂ. 8 લાખ), એપલ સિરીઝની ઘડિયાળો તેમજ ખાલી ઘડિયાળના બોક્સ મળી આવ્યા હતા. કસ્ટમ્સે આ ઘડિયાળોનું મૂલ્યાંકન કર્યું તો તેના પર 17 લાખ 56 હજાર 500 રૂપિયાની કસ્ટમ ડ્યુટી લગાવવામાં આવી. આ પછી કરોડો રૂપિયાની આ ઘડિયાળો પર લાખો રૂપિયાનો ટેક્સ ચૂકવવાની વાત થઈ હતી. એક કલાક લાંબી પ્રક્રિયા બાદ શાહરૂખ અને પૂજા દદલાનીને એરપોર્ટથી બહાર જવા દેવામાં આવ્યા હતા પરંતુ શાહરૂખ ખાનના બોડીગાર્ડ રવિ અને ટીમના સભ્યોને અટકાવી દેવામાં આવ્યા હતા.
વિગતો મુજબ શાહરૂખ ખાનના બોડી ગાર્ડ રવિએ 6 લાખ 87 હજાર રૂપિયાનો કસ્ટમ ચાર્જ ચૂકવ્યો છે. જેનું બિલ શાહરૂખ ખાનના બોડી ગાર્ડ રવિના નામે બનેલું છે. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર આ પૈસા શાહરૂખ ખાનના ક્રેડિટ કાર્ડથી ચૂકવવામાં આવ્યા છે. પુગલ અને કસ્ટમના આસિસ્ટન્ટ કમિશનર યુદ્ધવીર યાદવે આ સમગ્ર કાર્યવાહી કરી હતી. આ પછી શાહરૂખ ખાનના બોડી ગાર્ડ રવિને સવારે 8 વાગ્યે કસ્ટમ વિભાગ દ્વારા છોડી દેવામાં આવ્યો હતો.