ઉત્તરપ્રદેશના કાસગંજમાં બોલેરો અને ટેમ્પો વચ્ચે ધડાકાભેર ટક્કર
માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત અને 8થી વધુ લોકો ઘાયલ
તમામ સત્સંગમાં હાજરી આપવા જઇ રહ્યાં હતા
ઉત્તરપ્રદેશના કાસગંજમાં માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત નિપજ્યાં છે. કાયમગંજ રોડ પર અશોકપુર મોડ પાસે એક બોલેરો કાર અને ટેમ્પો વચ્ચે ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા તેમજ આઠથી વધુ લોકો ઘાયલ થયા હતાં. જણાવી દઇએ કે, આ ઘટના મંગળવારના રોજ સવારે ઘટી હતી.જો કે, આ ઘટનાની જાણ થતા જ પોલીસે તુરંત ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને પટિયાલી CHCમાં ખસેડ્યા છે. ત્યાંથી સ્થિતિ ગંભીર બનતા તમામને જિલ્લા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા. હજુ સુધી આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ નથી થઈ શકી. હાલ પોલીસ માહિતી એકત્ર કરવામાં વ્યસ્ત છે. મૃત્યુ પામેલા તમામ લોકો ટેમ્પોમાં સવાર હતા. મૃતકોમાં મોટા ભાગની મહિલાઓ સામેલ છે. દરેક વ્યક્તિ ટેમ્પામાં સવાર થઈને સત્સંગમાં હાજરી આપવા જઈ રહ્યાં હતા. બોલેરો કાર કાયમગંજ બાજુથી આવી રહી હતી. તેમાં સવાર લોકો પણ ઘાયલ થયાં. આ અકસ્માતમાં ડ્રાઇવરનું મોત નિપજ્યું છે.
પ્રત્યક્ષદર્શી ભંવર સિંહે જણાવ્યું કે, ટેમ્પો સવાર જય બાબા ભોલેનાથને ત્યાંથી આવી રહ્યો હતો. ટેમ્પોમાં 10 મુસાફરો સવાર હતા. જેમાં એક ડ્રાઈવર હતો અને બાકીની મહિલાઓ તેમજ બાળકો સામેલ હતા. બોલેરોમાં ત્રણ મહિલા અને બાકીના પુરુષો હતા. એકાએક ટેમ્પો અને બોલેરો બંને પૂરઝડપે હોવાથી સામસામે ધડાકાભેર ટક્કર થઇ.કાસગંજના ડીએમ હર્ષિતા માથુરે જણાવ્યું કે, આ અકસ્માતમાં 8 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે 8 લોકો ઘાયલ થયા છે. હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે. કાસગંજના એસપી રોહન પ્રમોદ બોત્રેએ જણાવ્યું કે, પટિયાલી તહસીલના દરિયાવ ગંજ પાસે બહાદુર નગરમાં એક આશ્રમ આવેલો છે. ત્યાં એક મંદિર પણ બનાવવામાં આવ્યું છે. તમામ ટેમ્પો સવારો ફરુખાબાદથી એ જ મંદિરમાં દર્શન કરવા આવ્યા હતાં.