વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ‘SCO કાઉન્સિલ ઑફ હેડ્સ ઑફ ગવર્નમેન્ટ મીટિંગ’માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ પછી, તેમણે તેમના ટ્વિટમાં કહ્યું કે અમને મધ્ય એશિયાઈ દેશોના હિતોને ધ્યાનમાં રાખીને SCO ક્ષેત્રમાં વધુ સારી કનેક્ટિવિટી જોઈએ છે.
વિદેશ મંત્રીએ કહ્યું કે ચાબહાર પોર્ટ અને ઈન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર આ ક્ષેત્રમાં આર્થિક ક્ષમતાની શક્યતાઓ ખોલશે. આ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સે સભ્ય દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવું જોઈએ અને આંતરરાષ્ટ્રીય કાયદાનો આદર કરવો જોઈએ.ડૉ. જયશંકરે કહ્યું, SCO સભ્યો સાથે અમારો કુલ વેપાર $141 બિલિયન છે, જે અનેકગણો વધવાની સંભાવના છે. વાજબી બજારની પહોંચ એ આપણા પરસ્પર લાભ માટે છે અને આગળ વધવાનો એકમાત્ર રસ્તો છે.
જયશંકરે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે આગામી વર્ષ 2023 ને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવામાં આવશે. ભારત ખાદ્ય કટોકટીનો સામનો કરવા માટે SCO સભ્ય દેશો સાથે વધુ સહયોગને પ્રોત્સાહન આપવા માંગે છે.શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની સ્થાપના 2001 માં રશિયા, ચીન, કિર્ગીઝ રિપબ્લિક, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના રાજ્યોના વડાઓ દ્વારા શાંઘાઈમાં સમિટમાં કરવામાં આવી હતી. વર્ષોથી તે વિશ્વની સૌથી મોટી આંતર-પ્રાદેશિક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાંની એક તરીકે ઉભરી આવી છે. 2017માં ભારત અને પાકિસ્તાન તેના કાયમી સભ્યો બન્યા.વાર્ષિક SCO સમિટ ગયા મહિને ઉઝબેકિસ્તાનના સમરકંદ શહેરમાં યોજાઈ હતી. તેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને જૂથના અન્ય નેતાઓએ હાજરી આપી હતી.