તેલંગાણામાં ભવ્ય જીત બાદ રેવંત રેડ્ડી રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. દરમિયાન ગુરુવારે સમગ્ર હૈદરાબાદ શહેરમાં રેડ્ડીના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આજે બપોરે લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં 56 વર્ષીય તેલંગાણા કોંગ્રેસના વર્તમાન અધ્યક્ષ રેવન્ત રેડ્ડીની શપથ ગ્રહણ સમારોહ યોજાશે.
તેલંગાણા રાજ્યની રચના વર્ષ 2014માં કરવામાં આવી હતી, આમ શપથ લીધા બાદ રેવંત રેડ્ડી રાજ્યમાં કોંગ્રેસના પ્રથમ મુખ્યમંત્રી બનશે. કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રેડ્ડીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા હૈદરાબાદ પહોંચ્યા છે. રેવંત રેડ્ડી પાર્ટીના ટોચના નેતૃત્વનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા હતા.
રેડ્ડીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી
તેલંગાણામાં મુખ્યમંત્રી ઉપરાંત એક નાયબ મુખ્યમંત્રી અને 8 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે. આ પહેલા બુધવારે રેવંત રેડ્ડીએ દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી. દિલ્હીથી પરત ફર્યા બાદ કોંગ્રેસના કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું.
ટીડીપીમાંથી કોંગ્રેસમાં જોડાયા
તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ભારત રાષ્ટ્ર સમિતિને હરાવ્યું અને 119માંથી 64 બેઠકો જીતી લીધી. જ્યારે BRSને માત્ર 39 બેઠકો મળી હતી. તેઓ ટીડીપી છોડીને 2017માં કોંગ્રેસમાં જોડાયા હતા. જૂન 2021 માં, રેડ્ડીને એન ઉત્તમ કુમાર રેડ્ડીની જગ્યાએ તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.