સપ્ટેમ્બર 2022ના મહિનામાં છૂટક મોંઘવારી દર વધીને 7.41 ટકા થયો છે જે ઓગસ્ટ 2022માં 7 ટકા થયો આ રીતે એક મહિનામાં છૂટક મોંઘવારીમાં 0.41 ટકાનો વધારો જોવા મળ્યો છે. બુધવારે જાહેર થયેલા સરકારી આંકડામાં આ માહિતી જણાવાઈ હતી.
સપ્ટેમ્બરમાં ખાદ્ય મોંઘવારીમાં પણ વધારો થયો છે. ઓગસ્ટ 2022માં ખાદ્ય મોંઘવારી 7.62 ટકા હતી જે સપ્ટેમ્બરમાં વધીને 8.60 ટકા થઈ છે. આ મહિનામાં શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં ખાદ્ય મોંઘવારી વધી છે. શહેરી વિસ્તારોમાં રિટેલ ફુગાવો ઓગસ્ટમાં 6.72 ટકાની સામે 7.27 ટકા રહ્યો હતો.
જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં રિટેલ ફુગાવો 7.56 ટકા રહ્યો હતો, જે ઓગસ્ટમાં 7.15 ટકા હતો. શાકભાજીના ભાવમાં તીવ્ર ઉછાળાને કારણે સપ્ટેમ્બરમાં લીલા શાકભાજીનો મોંઘવારી દર 18.05 ટકા હતો, જ્યારે ઓગસ્ટ 2022માં તે 13.23 ટકા હતો.
સપ્ટેમ્બરમાં વધેલી છૂટક મોંઘવારી પાંચ મહિનાના રેકોર્ડ સ્તરે પહોંચી છે. દેશની છૂટક મોંઘવારીની ગણના કન્ઝુમર પ્રાઈસ ઈન્ડેક્સ દ્વારા કરવામાં આવે છે. સતત નવમા મહિને કન્ઝુમર પ્રાઈસ ઈન્ડેક્સ આરબીઆઈના અનુમાન 6 ટકાથી ઉપર છે. સરકારે માર્ચ 2026એ પૂરા થતા પાંચ વર્ષના સમયગાળા માટે 2 ટકાના માર્જિન સાથે છૂટક મોંઘવારી 4 ટકાએ દર જાળવી રાખવાનો આરબીઆઈને આદેશ આપ્યો હતો.