ગ્લોબલ માર્કેટમાં ઘઉંની કિંમતમાં વધારો
ભારત સરકારે લેવો પડ્યો આ નિર્ણય
ભારતીય ગ્રાહકોને થશે મોટો ફાયદો
ગ્લોબલ માર્કેટમાં ઘઉંની કિંમતમાં ઐતિહાસિક રીતે વધારો થઈ રહ્યો હતો અને ભારત નિકાસનો જબરદસ્ત ફાયદો ઉઠાવવા માગતું હતું પણ ઘરેલૂ માર્કેટમાં ઘઉંની ડિમાન્ડ વધતા તેના ભાવ આસમાને પહોંચ્યા છે. તેની સીધી અસર નાના ગ્રાહકો અને લોટ પર વધારે પડી છે. જેનાથી ઘઉંના લોટમાંથી બનતી વસ્તુઓ જેવી કે, બિસ્કીટ, કેક, બ્રેડ જેવી વસ્તુઓ પર માઠી અસર પડી છે. પણ સરકારે ઘઉંની નિકાસ પર રોક લગાવીને સંભવિત મોંઘવારી પર લગામ લગાવાની કોશિશ કરી છે.
કેન્દ્રીય ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેયે કહ્યું કે, છેલ્લા એક વર્ષમાં ઘઉં અને ઘઉંના લોટની છૂટક કિંમતોમાં 19 ટકાનો વધારો થયો છે. પણ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવાથી એક બે અઠવાડીયામાં તેનાથી રાહત મળવાનું શરૂ થઈ જશે. ભારતમાં ઘઉંના ઉત્પાદનમાં મામૂલી ઘટાડા સાથે વૈશ્વિક સપ્લાઈ ઓછી થવાના કારણે કિંમતોમાં વધારો થયો છે. આ જ કારણ છે કે, ગત મહિને ઘઉં અને લોટની કિંમતોમાં પણ વધારો થયો હતો.
ખાદ્ય સચિવે કહ્યું કે, ભારતમાં ઘઉંના ઉત્પાદનમાં સંભવિત ઘટાડો અને સરકારી ખરીદીમાં ઘટાડો થવાથી ઘઉંની સાર્વજનિક વિતરણ સિસ્ટમ પર અસર પડવાની શક્યતા નથી. પીડીએસ વ્યવસ્થિત રીતે ચાલતી રહેશે. તે અગાઉ વાણિજ્ય મંત્રાલયે વિદેશ વેપાર મહાનિર્દેશાલયે શુક્રવારે રાતે ઘઉંની નિકાસ પર તાત્કાલિક રોક લગાવી દીધી હતી.
સુધાંશુ પાંડેયે કહ્યું કે, હાલના દિવસોમાં કેટલાય દેશો વૈશ્વિક કિંમતોની સાથે સાથે ફુગાવાની પણ આયાત થાય છે. ઘઉંના કિસ્સામાં પણ આવું જ થઈ રહ્યું હતું. ગ્લોબલ લેવલ પર ઘઉંની કિંમતો વધી રહી છે. બીજા દેશોના ઘઉં 420-480 ડોલર પ્રતિ ટનના ઉંચા ભાવ પર વેચાઈ રહ્યા હતા. ત્યારે આવા સમયે ઘરેલુ કિંમત પર કંટ્રોલ કરી રાખવા માટે ભારતીય ગ્રાહકોના હિતની રક્ષા માટે અમારે નિકાસ પર પ્રતિબંધ લગાવવો પડ્યો. અમને એવો અંદાજ નહોતો કે, કિંમત કેટલી નીચે જશે, પણ ટૂંક સમયમાં જ તેનાથી લાભ મળવા લાગશે.