બ્રિટન હાલમાં મંદીની ઝપેટમાં છે અને તેની અર્થવ્યવસ્થા આગામી દિવસોમાં વધુ સંકોચાઈ શકે છે. જોકે હાલમાં બ્રિટિશ સરકારે તેનો સામનો કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. વડાપ્રધાન ઋષિ સુનકની સરકારે મંદીમાંથી બહાર આવવા માટે અનેક પગલાંની જાહેરાત કરી છે. સુનકની સરકારે 5500 કરોડ પાઉન્ડની રાજકોષીય યોજના રજૂ કરી છે. આ અગાઉ નાણામંત્રી જેરેમી હંટે સરકારના ઈમરજન્સી બજેટનો ખુલાસો કર્યો હતો, જેમાં ટેક્સના દરમાં મોટો વધારો કરવામાં આવ્યો છે.
મંદીની ઝપેટમાં આવેલા બ્રિટનમાં હવે ઊર્જા કંપનીઓ પર વિન્ડફોલ ટેક્સ 25 ટકાથી વધારીને 35 ટકા કરવામાં આવ્યો છે. ઇલેક્ટ્રિક જનરેટર પર 45 ટકાનો ટેમ્પરરી ટેક્સ લાદવામાં આવ્યો છે. આ સિવાય હવે વાર્ષિક 1.25 લાખ પાઉન્ડ કમાતા લોકો પણ ટોપ ટેક્સના દાયરામાં આવશે. આ સાથે સુનકની સરકારે જાહેરાત કરી છે કે, 2025 થી ઇલેક્ટ્રિક વાહનો પર એક્સાઇઝ ડ્યુટી લાદવામાં આવશે નહીં.
બ્રિટનના નાણામંત્રી જેરેમી હંટે હાઉસ ઓફ કોમન્સમાં પાનખર નિવેદન રજૂ કર્યું હતું જેને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે સમર્થન આપ્યું હતું.બ્રિટનમાં મોંઘવારી કાબૂમાં આવવાનું નામ નથી લઈ રહી. જેના કારણે સરકારે ટેક્સના દરમાં વધારો કર્યો છે. પૂર્વ પીએમ લિઝ ટ્રસના મિની બજેટના કારણે સરકાર ચોંકી ઉઠી હતી. બજેટની સાથે સ્વતંત્ર એકમ OBR (ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટી) નો અહેવાલ પણ બહાર પાડવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે ઊર્જાના ભાવમાં જોરદાર વધારો થયો છે. તેના કારણે બ્રિટનની અર્થવ્યવસ્થાને ઘણું નુકસાન થયું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2024 સુધી અર્થવ્યવસ્થામાં સુધારાની કોઈ શક્યતા નથી.
બ્રિટનના નાણામંત્રી જેરેમી હંટે કહ્યું કે, સમગ્ર વિશ્વ ઉર્જા અને મોંઘવારીના સંકટનો સામનો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, સ્થિરતા, વિકાસ અને જનસેવા માટેની આ યોજનાથી આપણે મંદીનો સામનો કરીશું. બ્રિટનમાં મોંઘવારી વધવાથી સામાન્ય લોકોની સાથે સરકારની પણ મુશ્કેલીઓ વધી છે. ઓક્ટોબર મહિનામાં બ્રિટનમાં મોંઘવારી દર 41 વર્ષનો રેકોર્ડ તોડીને 11.1 ટકા પર પહોંચી ગયો છે. આ 1981 પછી સૌથી વધુ ફુગાવાનો દર છે. સપ્ટેમ્બર મહિનામાં મોંઘવારી દર 10.1 ટકા હતો.
નિષ્ણાતો માને છે કે, બ્રિટન માટે આ મુશ્કેલ સમય છે. કારણ કે જ્યારથી ઋષિ સુનકે વડાપ્રધાન પદ સંભાળ્યું છે ત્યારથી લોકો રાહ જોઈ રહ્યા હતા કે તેઓ મોંઘવારીનો સામનો કરવા માટે કઈ પ્રકારની નીતિ લઈને આવશે. હવે ટેક્સ વધારવાનો નિર્ણય સાચો સાબિત થશે કે કેમ તેના પર સૌની નજર છે. કારણ કે ટૂંકા ગાળામાં કોઈ રાહત નથી.
જો કોઈ દેશનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) સતત છ મહિના (બીજા ત્રિમાસિક ગાળામાં) ઘટતું રહે તો આ સમયગાળાને અર્થતંત્રમાં આર્થિક મંદી કહેવામાં આવે છે. સામાન્ય રીતે મંદી દરમિયાન કંપનીઓ ઓછા પૈસા કમાય છે, વેતન કાપવામાં આવે છે અને બેરોજગારી વધે છે. આનો અર્થ એ છે ક, સરકારને જાહેર સેવાઓ પર વાપરવા માટે ટેક્સના રૂપમાં ઓછા પૈસા મળે છે.