ગુજરાતમાં એક તરફ ચોમાસુ વિદાય લઈ રહ્યુ છે ત્યાં બીજી તરફ જતા જતા અમુક વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થયા છે. ઉલ્લેખનીય છે કે, 12મી ઓક્ટોબર સુધી હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે. ગઈ કાલે પણ અમદાવાદ, વડોદરા, નડિયાદ, આણંદ, અરવલ્લી સહિતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. તો આજે પણ રાજ્યના અમુક જિલ્લામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન જોવા મળ્યું છે.
મધ્ય ગુજરાતના અમદાવાદમાં પણ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ છવાયો છે. ધીમે ધીમે તડકા વચ્ચે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદના શેલા, બોપલ રોડ પર ધીમી ધારે વરસાદ ચાલુ થયો છે.
સવારથી જ આણંદમાં વરસાદી માહોલ જામ્યો છે. આણંદના વિદ્યાનગર, કરમસદ, મોગરી, ગાના વગેરે વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. મહત્ત્વનું છે કે, વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
તો દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ છવાયો છે. બીજી બાજુ ગાંધીનગરના અમુક વિસ્તારમાં પણ બપોર પછી વરસાદી માહોલ છવાયો હતો. માણસામાં બપોર પછી ભારે વરસાદને કારણે રસ્તાઓ નદી બન્યાં હતા અને વાહન વ્યવહારમાં મુશ્કેલી ઊભી થઈ હતી.
દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, સુરતના મહુવાના અનાવલ, વહેવલ, હલ્ડવા અને ઉમરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. વરસાદને લીધે ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિને લઈને જગતનો તાત ચિંતામાં મૂકાયો છે.
રાજપીપળાની કેવડિયા ટેન્ટ સિટી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદ વરસાદ શરૂ થયો હતો. તેને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. બે દિવસના ભારે ઉકળાટ બાદ શહેરીજનોને ગરમીમાંથી છૂટકારો મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વરસાદને લીધે કપાસના ઊભા પાકને નુકસાન થવાની ચિંતાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.
આ ઉપરાંત સાબરકાંઠામાં પણ સવારથી જ વાદળો છવાયા હતા. ત્યારે બપોર પછી હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે ધરતીપુત્રો પાકને નુકસાન થવાની ભીતિને લઈને ચિંતામાં છે.
નોંધનીય છે કે, આ વર્ષે ગુજરાત પર મેઘો મહેરબાન જોવા મળ્યો હતો. રાજ્યમાં સરેરાશ 119.61 ટકા વરસાદ ખાબક્યો છે. જ્યારે સૌથી વદુ કચ્છમાં 186 ટકા, ઉત્તર ગુજરાતમાં 121 ટકા, પૂર્વ ગુજરાતમાં 96 ટકા, સૌરાષ્ટ્રમાં 109 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 132 ટકા વરસાદ નોંધાયો છે.