વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રગતિની 43મી આવૃત્તિની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન તેમણે સાત રાજ્યોમાં રૂ. 31,000 કરોડથી વધુના પ્રોજેક્ટની સમીક્ષા પણ કરી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે આ દરમિયાન પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન પોર્ટલને વધુ અસરકારક બનાવવાની રીતો પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
પીએમ મોદીએ USOF પ્રોજેક્ટ હેઠળ મોબાઈલ ટાવર અને 4-G કવરેજની પણ સમીક્ષા કરી. તેમણે આ નાણાકીય વર્ષ સુધી જે ગામડાઓમાં મોબાઈલ ટાવર સેવા પૂરી પાડવામાં આવી ન હતી ત્યાં મોબાઈલ ટાવર સેવા પૂરી પાડવાની ખાતરી આપી. આ બેઠકમાં કુલ આઠ પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં પાણી પુરવઠા અને સિંચાઈ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને કનેક્ટિવિટી, રેલ અને મેટ્રો કનેક્ટિવિટીનો સમાવેશ થાય છે.
જે સાત રાજ્યો માટે આ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી હતી તેમાં બિહાર, ઝારખંડ, હરિયાણા, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. આ બેઠકમાં પીએમ મોદીએ આ પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા તમામ હિતધારકોને ઉચ્ચ વસ્તીવાળા વિસ્તારોમાં વધુ સારા સંકલન માટે નોડલ ઓફિસરની નિમણૂક કરવાનું સૂચન કર્યું હતું.