PM મોદી ત્રણ દિવસીય યુરોપના પ્રવાસ માટે રવાના
જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે PM કરશે મુલાકાત
વડાપ્રધાન મોદીની આ વર્ષની પ્રથમ વિદેશ યાત્રા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય યુરોપના પ્રવાસે છે. ત્યારે તેઓ આજે બર્લિન પહોંચી ચૂક્યાં છે. જ્યાં તેઓ જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝને મળશે અને 6ઠ્ઠા ભારત-જર્મની આંતર-સરકારી પરામર્શની સહ-અધ્યક્ષતા કરશે. બાદમાં, તેઓ બિઝનેસ રાઉન્ડ ટેબલમાં હાજરી આપશે અને સામુદાયિક કાર્યક્રમમાં પણ ભાગ લેશે.જર્મની, ડેનમાર્ક અને ફ્રાંસની મુલાકાત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે, યુરોપની તેમની મુલાકાત એવાં સમયે થઇ રહી છે કે જ્યારે આ પ્રદેશ અનેક પડકારો અને વિકલ્પોનો સામનો કરી રહ્યો છે અને તેઓ ભારતના યુરોપિયન ભાગીદારો સાથે સહયોગ કરવા આતુર છે. પીએમ મોદીએ કહ્યું કે, શાંતિ અને સમૃદ્ધિની શોધમાં યુરોપિયન ભાગીદારો ભારતના મુખ્ય સાથી છે. વડાપ્રધાન મોદીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, તેઓ જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝના આમંત્રણ પર 2 મેના રોજ બર્લિન પહોંચશે. આ વર્ષે વડાપ્રધાન મોદીની આ પ્રથમ વિદેશ યાત્રા છે
.પોતાની આ મુલાકાતના બીજા તબક્કામાં PM મોદી ડેનમાર્કના વડાપ્રધાન મેટે ફ્રેડ્રરિક્સન આમંત્રણ પર કોપનહેગનની મુલાકાત લેશે, જ્યાં તેઓ બીજા ભારત-નોર્ડિક સમિટમાં પણ ભાગ લેશે. ડેનમાર્કમાં વડાપ્રધાન મોદી તેમના સમકક્ષ મેટે ફ્રેડરિક્સન સાથે ચર્ચા કરશે. આ બેઠકમાં બંને દેશોના નેતાઓને ડેનમાર્ક સાથે ભારતના ‘ગ્રીન સ્ટ્રેટેજિક એલાયન્સ’ માં થયેલી પ્રગતિની સમીક્ષા કરવાની પણ તક મળશે.આ સિવાય બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધો અને અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. પીએમ મોદીએ કહ્યું કે, ભારત ડેનમાર્ક બિઝનેસ મીટિંગમાં ભાગ લઈશ અને ભારતીય સમુદાયના લોકો સાથે પણ વાતચીત કરીશ. અંતિમ તબક્કામાં, વડાપ્રધાન થોડાક સમય માટે પેરિસમાં રોકાઇને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈક્રોં સાથે મુલાકાત કરશે.