દેશના 13 રાજ્યો કરી રહ્યાં છે વીજસંકટનો સામનો
દિલ્હી સરકારે આપી ચેતવણી
રાજધાનીને વીજ સપ્લાય કરતા પાવર પ્લાન્ટ્સમાં કોલસાની અછત
કાળઝાળ ગરમી અને કોલસાની અછતના કારણે હાલમાં દેશના 13 રાજ્યો વીજસંકટનો સામનો કરી રહ્યાં છે. આ બધાની વચ્ચે દિલ્હી સરકારે ચેતવણી આપી છે કે, રાજધાનીને વીજળી સપ્લાય કરતા પાવર પ્લાન્ટ્સમાં કોલસાની અછત છે. આવી સ્થિતિમાં, મેટ્રો ટ્રેન અને હોસ્પિટલો સહિત તમામ મહત્વપૂર્ણ સંસ્થાઓને વીજળી પહોંચાડવામાં સમસ્યા સર્જાઇ શકે છે.જો કે, દિલ્હીના ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને પરિસ્થિતિને લઈને ઈમરજન્સી બેઠક બોલાવી હતી. આ સાથે સત્યેન્દ્ર જૈને કેન્દ્ર સરકારને પત્ર લખીને પર્યાપ્ત કોલસાના પુરવઠાની પણ માંગ કરી છે. જેથી પાવર પ્લાન્ટને કોલસો ઉપલબ્ધ કરાવી શકાય અને તેમાંથી દિલ્હીમાં વીજળી સપ્લાય કરી શકાય.દાદરી, ઉંચાહાર, કહલગાંવ, ફરક્કા અને જજ્જર પાવર પ્લાન્ટમાંથી દરરોજ 1,751 મેગાવોટ વીજળી દિલ્હી મોકલવામાં આવે છે.
દિલ્હીને મોટા ભાગનો પુરવઠો (728 મેગાવોટ) દાદરી-II પાવર પ્લાન્ટમાંથી મોકલવામાં આવે છે. આ સાથે ઉંચાહારથી 100 મેગાવોટ પાવર સપ્લાય કરવામાં આવે છે. નેશનલ પાવર પોર્ટલના ડેઈલી કોલ રિપોર્ટ અનુસાર આ તમામ પાવર પ્લાન્ટમાં કોલસાની અછત છે.દિલ્હી સરકારે એક નિવેદન પણ જાહેર કરીને કહ્યું છે કે, “દાદરી-II અને ઉંચાહાર પાવર સ્ટેશનોમાંથી વીજ પુરવઠો ખોરવાઈ જવાને કારણે દિલ્હી મેટ્રો અને સરકારી હોસ્પિટલો સહિત અનેક આવશ્યક સંસ્થાઓને 24 કલાક વીજ પુરવઠામાં સમસ્યા આવી શકે છે.”દિલ્હીના ઉર્જા મંત્રીએ કહ્યું કે, આ પાવર સ્ટેશન દિલ્હીના કેટલાંક ભાગોમાં અંધારપટ રોકવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઉનાળામાં મેટ્રો, હોસ્પિટલો અને લોકોને સતત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે પણ આ સ્ટેશન આવશ્યક છે
નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) ના દાદરી-II અને જજ્જરની સ્થાપના મુખ્યત્વે દિલ્હીમાં વીજળીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે કરવામાં આવી હતી એમ નિવેદનમાં જણાવાયું છે. પરંતુ હવે આ પાવર પ્લાન્ટમાં કોલસાનો ખૂબ જ ઓછો જથ્થો બચ્યો છે.ભારતમાં ગયા અઠવાડિયે જ 623 મિલિયન યુનિટ પાવરની અછત સર્જાઈ છે. આ સમગ્ર માર્ચ મહિનાની ઘટ કરતાં વધુ છે.ગુરુવારે ભારતમાં વીજળીની માંગ 201 ગીગાવોટ પર પહોંચી ગઈ હતી. તો આ સાથે આ સમયગાળા દરમિયાન સમગ્ર દેશમાં 8.2 GW નો ઘટાડો પણ નોંધવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આવનારા સમયમાં ભારતમાં વીજળીનું સંકટ વધુ ઘેરી બની શકે છે.