એકનાથ શિંદેના આક્રમક વલણથી શિવ સૈનિકોમાં ભારે રોષ
ઉથલપાથલને ધ્યાનમાં રાખીને મુંબઇ પોલીસ થઇ સતર્ક
સોશિયલ મીડિયા પર રખાઇ રહી છે બાજ નજર
મહારાષ્ટ્રના રાજકારણમાં થઇ રહેલી જબરી ઉથલપાથલને ધ્યાનમાં રાખીને મુંબઇ પોલીસ સતર્ક થઇ ગઇ છે. મુંબઇ પોલીસે રાજકીય રીતે સંવેનદનશીલ ગણાતાં સ્થળોએ સલામતી વ્યવસ્થા વધુ સઘન બનાવી દીધી છે. શિવસેનાના સિનિયર નેતા એકનાથ શિંદેએ પક્ષની નેતાગીરી સામે ભારે નારાજીનું રણશિંગું ફૂંક્યું છે.
પોતાના ગાઢ સાથીઓને લઇને પહેલાં ગુજરાતના સુરત અને ત્યારબાદ સુરતથી આસામના ગુવાહાટીમાં પહોંચી ગયા છે. સમય જતાં એકનાથ શિંદેના જૂથમાં નારાજ સભ્યોની સંખ્યા વધતી ગઇ.પરિણામે શિવ સેનાના ગઢમાં મોટાં ગાબડાં પડયાં. આવા રાજકીય ધરતીકંપથી મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારના અસ્તિત્વ સામે પર જોખમ ઝળુંબી રહ્યું છે.
મુંબઇ પોલીસના પ્રવક્તા ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સંજય લટકરે એવી માહિતી આપી હતી કે અમે શહેરનાં રાજકીય રીતે સંવેદનશીલ ગણાતાં મંત્રાલય, રાજ ભવન, વિધાન ભવન, સેના ભવન, માતોશ્રી વગેરે સ્થળોએ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ તમામ સ્થળોએ દેખાવ, આંદોલન, રાજકીય પક્ષના કાર્યકરો વચ્ચે ઉગ્રતા વગેરેનું ચિંતાજનક વાતાવરણ સર્જાઇ શકે છે.
ઉપરાંત, શહેરના જે જે વિસ્તારોમાં જુદા જુદા રાજકીય પક્ષોના કાર્યકરોની અને ટેકેદારોની સંખ્યા વધુ હોય ત્યાં પણ શહેરનાં તમામ પોલીસ મથકોને બાજનજર રાખવાની સૂચના આપવામાં આવી છે. વળી, પોલીસ સ્થાનિક રાજકીય અગ્રણીઓ સાથે પણ સતત સંપર્કમાં રહે છે કે જેથી સમગ્ર પરિસ્થિતિ કાબૂમાં રહે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય રહે.
પોલીસનાં સૂત્રોએ એવી માહિતી પણ આપી હતી કે અમે સોશિયલ મિડિયા પર પણ સતત નજર રાખીએ છીએ. કોઇ જૂથ કે વ્યક્તિ દ્વારા વાંધાજનક કે વિવાદાસ્પદ કહી શકાય તેવા સંદેશા ન મોકલાય તેની પૂરી તપાસ પણ રાખીએ છીએ.