વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે એક દિવસીય મુંબઈની મુલાકાતે જશે. આ દરમિયાન તેઓ મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટરમાં આયોજિત ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના 141મા સત્રનું ઉદ્ઘાટન કરશે. તમને જણાવી દઈએ કે IOC સત્ર આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સભ્યોની મહત્વપૂર્ણ બેઠક છે. ઓલિમ્પિક ગેમ્સના ભવિષ્યને લગતા મહત્વના નિર્ણયો IOC સત્રમાં લેવામાં આવે છે. ભારત લગભગ 40 વર્ષના અંતરાલ પછી બીજી વખત IOC સત્રનું આયોજન કરી રહ્યું છે. છેલ્લી વખત IOCનું 86મું સત્ર 1983માં નવી દિલ્હીમાં યોજાયું હતું.
જેમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશન સહિત વિવિધ સ્પોર્ટ્સ ફેડરેશનના પ્રતિનિધિઓને સામેલ કરવામાં આવશે.
ભારતમાં યોજાનાર IOCનું 141મું સત્ર વૈશ્વિક સહકારને પ્રોત્સાહન આપવા, રમતમાં શ્રેષ્ઠતાની ઉજવણી કરવા અને મિત્રતા, આદર અને શ્રેષ્ઠતાના ઓલિમ્પિક આદર્શોને આગળ વધારવા માટેના દેશના સમર્પણનું પ્રતીક છે. આ સત્ર રમતગમત સાથે સંબંધિત વિવિધ હિસ્સેદારો વચ્ચે ક્રિયાપ્રતિક્રિયા અને જ્ઞાનની વહેંચણીની તક પૂરી પાડશે.
આ સત્રમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રમુખ શ્રી થોમસ બાચ અને IOCના અન્ય સભ્યો ઉપરાંત ભારતીય ખેલ જગતની અગ્રણી હસ્તીઓ અને ભારતીય ઓલિમ્પિક સંઘ સહિત વિવિધ રમત ફેડરેશનના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે.
શુક્રવારે દિલ્હીમાં P-20 કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
આ પહેલા શુક્રવારે પીએમ મોદીએ દિલ્હીમાં P-20 કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ ભારતીય લોકતંત્ર અને સંસદીય પ્રક્રિયાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, ‘ભારતમાં અમે સામાન્ય ચૂંટણીને સૌથી મોટો તહેવાર માનીએ છીએ. 1947 માં આઝાદી પછી, ભારતમાં 17 સામાન્ય ચૂંટણીઓ અને 300 થી વધુ વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ છે. ભારત માત્ર વિશ્વની સૌથી મોટી ચૂંટણીઓ જ કરાવતું નથી પરંતુ તેમાં લોકોની ભાગીદારી પણ વધી રહી છે. દેશવાસીઓએ મારી પાર્ટીને સતત બીજી વખત વિજયી બનાવ્યો છે. 2019ની સામાન્ય ચૂંટણી માનવ ઇતિહાસની સૌથી મોટી માનવીય કવાયત હતી. જેમાં 60 કરોડ મતદારોએ ભાગ લીધો હતો. ત્યારે ભારતમાં 91 કરોડ નોંધાયેલા મતદારો હતા, જે સમગ્ર યુરોપની કુલ વસ્તી કરતા વધુ છે. આ દર્શાવે છે કે ભારતમાં લોકોને સંસદીય પ્રક્રિયામાં કેટલો વિશ્વાસ છે.