વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કર્ણાટકના ધારવાડ જિલ્લામાં વિશ્વના સૌથી લાંબા રેલવે પ્લેટફોર્મ અને દેશની પ્રથમ ગ્રીન ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT)નું ઉદ્ઘાટન કર્યું. હુબલીમાં સિદ્ધરુધ સ્વામીજી રેલ્વે સ્ટેશન પરનું રેલ્વે પ્લેટફોર્મ 1,505 મીટર (1 કિમીથી વધુ) લાંબુ છે. પ્રથમ પ્લેટફોર્મની લંબાઈ 550 મીટર હતી.
સાઉથ વેસ્ટર્ન રેલવેના સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્લેટફોર્મ હવે ગિનિસ બુક ઑફ રેકોર્ડ્સમાં દાખલ થઈ ગયું છે. PM મોદીએ ધારવાડ શહેરમાં 852 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા દેશના પ્રથમ ઇકો-ફ્રેન્ડલી, ગ્રીન IIT કેમ્પસનું પણ ઉદ્ઘાટન કર્યું. એક અધિકારીએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટની પ્રશંસા કરતાં વડા પ્રધાને કેન્દ્રીય ખાણ, કોલસા અને સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી અને અન્ય મહાનુભાવો સાથે સંકુલની મુલાકાત લીધી હતી.
સ્વાગત પ્રવચન આપતા જોશીએ કહ્યું, “PM મોદીના આશીર્વાદથી ધારવાડમાં IITની સ્થાપના કરવામાં આવી છે. તેમણે (PM મોદીએ) 10 ફેબ્રુઆરી, 2019ના રોજ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.”
સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ડબલ એન્જિન સરકારે વિકાસ પ્રક્રિયાને નવી ગતિ આપી છે. “અમે માત્ર શિલાન્યાસ જ નહીં પરંતુ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને સમર્પિત પણ કરીએ છીએ. આ ડબલ એન્જિન સરકારનો ઉદ્દેશ્ય છે. મને બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવેને સમર્પિત કરવાની તક પણ મળી,” તેમણે કહ્યું.