શુક્રવારે મધ્યરાત્રિએ પશ્ચિમ નેપાળના દૂરના પર્વતીય વિસ્તારમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપના જોરદાર આંચકાને કારણે ઓછામાં ઓછા 128 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળમાં આવેલા ભૂકંપના કારણે જાનમાલના નુકસાન પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ‘ભારત નેપાળના લોકો સાથે એકતામાં ઊભું છે અને તમામ શક્ય મદદ કરવા તૈયાર છે. અમારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે અને અમે ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. તમને જણાવી દઈએ કે નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર અનુસાર, ભૂકંપ રાત્રે 11.47 વાગ્યે આવ્યો હતો, જેનું કેન્દ્ર જાજરકોટ જિલ્લામાં હતું. ભૂકંપની અસર કાઠમંડુ અને તેની આસપાસના જિલ્લાઓમાં અને પડોશી દેશ ભારતની રાજધાની નવી દિલ્હીમાં પણ અનુભવાઈ હતી.
અત્યાર સુધીમાં 128 લોકોના મોત
સરકારી નેપાળ ટેલિવિઝન અનુસાર, ભૂકંપને કારણે પશ્ચિમ નેપાળના જાજરકોટ અને રુકુમ જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થયા હતા. ગૃહ મંત્રાલયે કહ્યું કે બે જિલ્લામાં 128 લોકોના મોત થયા છે અને 140 લોકો ઘાયલ થયા છે. ભૂકંપના કારણે કેટલા મકાનોને નુકસાન થયું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. મૃત્યુઆંક વધવાની આશંકા છે. અધિકારીઓએ જણાવ્યું કે નેપાળના વડા પ્રધાન પુષ્પકમલ દહલ ‘પ્રચંડ’ શનિવારે સવારે તબીબી ટીમ સાથે ઘટના સ્થળ માટે રવાના થયા હતા. તેમણે કહ્યું કે નેપાળ આર્મી અને નેપાળ પોલીસ બચાવ કામગીરીમાં તૈનાત છે. દેશની ત્રણેય સુરક્ષા એજન્સીઓ – નેપાળ આર્મી, નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળો – બચાવ કામગીરીમાં તૈનાત છે.
ભૂકંપ પછી ચાર આફ્ટરશોક
વડાપ્રધાન કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું છે કે ‘વડાપ્રધાન પુષ્પકમલ દહલે શુક્રવારે રાત્રે આવેલા ભૂકંપમાં જાનમાલના નુકસાન પર ઊંડી શોક વ્યક્ત કરી છે. તેઓએ તાત્કાલિક રાહત અને બચાવ માટે ત્રણેય સુરક્ષા સંસ્થાઓને તૈનાત કરી દીધી છે.અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોની સુરખેત જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વડાપ્રધાને સુરક્ષા એજન્સીઓને તાત્કાલિક બચાવ અને રાહત કાર્ય હાથ ધરવા સૂચના આપી છે. તેમણે કહ્યું કે અવરોધિત રસ્તાઓ અને ક્ષતિગ્રસ્ત પુલને કારણે ઘટના સ્થળે બચાવ અને રાહત કાર્ય ખોરવાઈ ગયું છે. ભૂકંપ બાદ જાજરકોટમાં 4 થી વધુની તીવ્રતાના ઓછામાં ઓછા ચાર આફ્ટરશોક આવ્યા હતા. નેપાળમાં વારંવાર ભૂકંપ આવે છે. વાસ્તવમાં, નેપાળ પર્વતમાળા પર આવેલું છે જ્યાં તિબેટીયન અને ભારતીય ટેકટોનિક પ્લેટો મળે છે અને દર સદીમાં તેઓ એકબીજાની લગભગ બે મીટર નજીક જાય છે, જેના પરિણામે દબાણ અને ભૂકંપ આવે છે. 2015માં નેપાળમાં 7.8ની તીવ્રતાના ભૂકંપ અને તેના આફ્ટરશોક્સને કારણે લગભગ 9,000 લોકોના મોત થયા હતા.