વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વૈશ્વિક રોકાણકાર પરિષદ ઇન્વેસ્ટ કર્ણાટક-2022 નું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં લોકોને સંબોધતા કહ્યું કે, ભારતમાં યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને તાજેતરના કોરોના રોગચાળાના કારણે સર્જાયેલી પરિસ્થિતિની વિપરીત અસર પડી છે. જેને લઈ હવે સમગ્ર વિશ્વ ભારત તરફ આશા સાથે જોઈ રહ્યું છે.
ઇન્વેસ્ટ કર્ણાટક 2022 સમિટમાં પીએમ મોદીએ કર્ણાટકની પ્રાકૃતિક સુંદરતા અને સંસ્કૃતિ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, અહીં પરંપરા અને ટેક્નોલોજી બંને છે. આ તે જગ્યા છે જ્યાં પ્રકૃતિ અને સંસ્કૃતિનો અનોખો સમન્વય જોવા મળે છે. જ્યારે આપણે ટેલેન્ટ અને ટેક્નોલોજી વિશે વાત કરીએ છીએ, ત્યારે સૌથી પહેલી વસ્તુ જે આપણા મગજમાં આવે છે તે બેંગ્લોર છે.
આ સાથે PM મોદીએ વધુમાં કહ્યું કે, ભલે આ વૈશ્વિક કટોકટીનો સમય છે, પરંતુ વિશ્વભરના અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતો ભારતને એક તેજસ્વી સ્થળ તરીકે વર્ણવી રહ્યા છે. અમે અમારી અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે અમારા મૂળભૂત સિદ્ધાંતો પર સતત કામ કરી રહ્યા છીએ. જે મુક્ત વેપાર સોદાઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે તે વિશ્વને આપણી સજ્જતાની ઝલક આપે છે. સમિટમાં પીએમ મોદીએ કહ્યું કે, અમે અમારા રોકાણકારોને લાલ પટ્ટી (વહીવટી નિયમોનું કડક પાલન, જે નિર્ણય લેવાની પ્રક્રિયાને અવરોધે છે) માંથી મુક્ત કર્યા છે અને તેમને ઘણી તકો આપી છે. અમે રોકાણકારોને સંરક્ષણ, ડ્રોન, અવકાશ વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કર્યા છે. અગાઉ અહીં ખાનગી રોકાણ માટે દરવાજા બંધ હતા.