જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંઝો આબેના રાજકીય અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે પ્રધાનમંત્રી મોદી હાલમાં ટોક્યોમાં છે અને તેઓ હાલમાં તેમના અંતિમ સંસ્કારના કાર્યક્રમમાં સામેલ થઈ રહ્યા છે . આ સમારંભમાં પીએમ મોદી સહિત 20 દેશોના રાષ્ટ્રાધ્યક્ષ પણ હાજર છે. આ અગાઉ આજે સવારે રાજધાની ટોક્યો પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ જાપાની પીએમ ફુમિયો કિશિદા સાથે પણ મુલાકાત કરી હતી અને કહ્યું કે મને વિશ્વાસ છે કે, આપના નેતૃત્વમાં ભારત-જાપાનના સંબંધ વધારે મજબૂત થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે જાપાનની રાજધાની ટોક્યો પહોંચ્યા અને ત્યાં જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાની સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન બંને પક્ષથી સંબંધિત લોકો હાજર રહ્યા હતા. પીએમ મોદી આબેની પત્ની સાથે પણ મુલાકાત કરશે. આબેના અંતિમ સંસ્કારમાં દુનિયાભરના 100થી વધારે વિદેશી પ્રતિનિધી ભાગ લેશે. ટોક્યોના નિપ્પોન બુડોકનમાં ભારતીય સમય અનુસાર સવારે બપોરે 2 વાગ્યે આબેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને જાપાનની મિત્રતાએ એક વૈશ્વિક પ્રભાવ ઊભો કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. મને વિશ્વાસ છે કે, આપના નેતૃત્વમાં ભારત-જાપાન સંબંધો વધારે ઊંડા થશે. આપણે વિશ્વની સમસ્યાઓનું સમાધાનમાં એક યોગ્ય ભૂમિકા નિભાવવામાં સમર્થ બનીશું. તેમણે શિંઝ આબેને યાદ કરતા કહ્યું કે, આ દુ:ખની ઘડીમાં આજે આપણે મળી રહ્યા છીએ. ગત વખતે જ્યારે શિંઝો આબે સાથે ખૂબ લાંબી વાત થઈ અને ક્યારેય વિચાર્યું પણ નહોતું કે, તેમના વિશે આવા સમાચાર સાંભળવાનો વારો આવશે.
તેમણે કહ્યું કે, આપણે આબેની દ્રષ્ટિને અનુરુપ ભારત-જાપાન સંબંધોને વધારે મજબૂત બનાવવા માટે કામ ચાલુ રાખીશું. વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ આ જાણકારી આપતા જણાવ્યું કે, લગભગ 12થી 16 કલાકની આ યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી મોદી પોતાના જાપાની સમકક્ષ ફુમિયો કિશિદાની સાથે મુલાકાત અને દ્વિપક્ષીય બેઠક કરશે. પ્રધાનમંત્રી મોદી આ યાત્રા દરમિયાન શ્રીમતી આબેને મળશે અને વ્યક્તિગત રીતે શોક પ્રગટ કરશે.