મેડિકલ ઈમરજન્સીના કારણે નવી દિલ્હીથી દોહા જતી ઈન્ડિગોની ફ્લાઈટને પાકિસ્તાનના કરાચીમાં ડાયવર્ટ કરવામાં આવી છે. એરલાઇનના એક અધિકારીએ સમાચાર એજન્સી ANIને આ અંગે માહિતી આપી છે. જાણવા મળ્યું છે કે વિમાનમાં સવાર એક મુસાફરનું મોત થયું છે.
ANI અનુસાર, મેડિકલ ઈમરજન્સીના કારણે દિલ્હીથી દોહા જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E-1736ને કરાચી ડાયવર્ટ કરવામાં આવી હતી. એરલાઈન્સનું કહેવું છે કે દુર્ભાગ્યવશ પેસેન્જરને એરપોર્ટ પર પહોંચતા જ એરપોર્ટ મેડિકલ ટીમ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
ફ્લાઇટ 6E-1736ને મેડિકલ ઇમરજન્સીના કારણે ડાયવર્ટ કરવામાં આવી હતી, પરંતુ એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, બોર્ડમાં રહેલા એક મુસાફરનું મૃત્યુ થયું હતું. જણાવી દઈએ કે પ્લેન દિલ્હીથી કતારના દોહા જઈ રહ્યું હતું અને તેને પાકિસ્તાનના કરાચી તરફ વાળવામાં આવ્યું હતું. એરલાઈને કહ્યું કે તે સંબંધિત અધિકારીઓ સાથે મળીને વિમાનના અન્ય મુસાફરોના ટ્રાન્સફરની વ્યવસ્થા કરવા માટે કામ કરી રહી છે.
તે જ સમયે, ઈન્ડિગોએ નિવેદનમાં કહ્યું કે અમે મુસાફરના મૃત્યુના સમાચારથી ખૂબ જ દુઃખી છીએ અને અમારી પ્રાર્થના અને શુભકામનાઓ તેમના પરિવાર અને પ્રિયજનો સાથે છે.
મૃત્યુ પામનાર મુસાફર નાઈજીરીયાનો હોવાનું કહેવાય છે. એવું જાણવા મળ્યું છે કે ટેક-ઓફના થોડા સમય પછી, પાયલોટને એક મુસાફર, 60 વર્ષીય નાઇજીરિયન નાગરિક અબ્દુલ્લાની તબિયત વિશે જાણ કરવામાં આવી હતી. પાયલોટે તરત જ કરાચી એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કર્યો અને મેડિકલ ઈમરજન્સી વિશે જાણ કરી, જેને કરાચી એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલરે સ્વીકારી અને વિમાને ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. એરપોર્ટ પર ડોક્ટરોની ટીમે અબ્દુલ્લાની તપાસ કરી અને તેને મૃત જાહેર કર્યો.