ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ હવે આઠમા દિવસે પ્રવેશી ગયું છે. ગાઝા અને ઈઝરાયેલ બંનેમાં જબરદસ્ત નરસંહાર થઈ રહ્યો છે. હમાસના હુમલા બાદ ઈઝરાયેલની સેના પણ જડબાતોડ જવાબ આપી રહી છે. ઈઝરાયેલની સેના આતંકવાદીઓના ઠેકાણાઓ પર આકાશ અને જમીન બંનેથી હુમલો કરી રહી છે. આ દરમિયાન ભારતે તેના નાગરિકોને ઈઝરાયેલમાંથી બહાર કાઢવાનું શરૂ કરી દીધું છે. ભારત સરકારે ઓપરેશન અજય શરૂ કર્યું છે.
શુક્રવારે સવારે જ એક વિશેષ વિમાન 212 ભારતીયોને લઈને નવી દિલ્હી પહોંચ્યું હતું. હવે શુક્રવારે રાત્રે તેલ અવીવથી ભારત માટે રવાના થયેલું વધુ એક વિશેષ વિમાન ભારત પહોંચ્યું છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે આ વિશેષ વિમાનમાં બે બાળકો સહિત 235 લોકો છે. તે આજે સવારે નવી દિલ્હી પહોંચશે. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલમાં લગભગ 18 હજાર ભારતીયો રહે છે. જે કોઈ ત્યાંથી પોતાના દેશમાં પરત ફરવા માંગે છે, સરકાર તેમને ઓપરેશન અજય હેઠળ પરત લાવી રહી છે.
આતંકી હુમલા બાદ એર ઈન્ડિયાએ ફ્લાઈટ બંધ કરી દીધી હતી
7 ઓક્ટોબરે ઇઝરાયેલ પર હમાસ દ્વારા આતંકવાદી હુમલા બાદ એર ઇન્ડિયાએ તરત જ તેની ફ્લાઇટ્સ બંધ કરી દીધી હતી. ઈઝરાયેલથી પાછા ફરનારાઓએ કોઈ ભાડું ચૂકવવું પડતું નથી. તેમના પરત આવવાનો ખર્ચ સરકાર ઉઠાવી રહી છે. અગાઉ, તેલ અવીવથી ‘ઓપરેશન અજય’ હેઠળ સંચાલિત વિશેષ ફ્લાઇટમાં ચઢવા માટે એરપોર્ટ પર વિદ્યાર્થીઓ સહિત ભારતીયોની લાંબી કતાર જોવા મળી હતી.
બુધવારે ‘ઓપરેશન અજય’ શરૂ કરવાની જાહેરાત
ભારત સરકારે બુધવારે ‘ઓપરેશન અજય’ શરૂ કરવાની જાહેરાત કરી હતી. વિદેશ મંત્રી જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘ઈઝરાયેલથી પાછા ફરવા ઈચ્છતા અમારા નાગરિકોને પરત લાવવાની સુવિધા માટે ઓપરેશન અજય શરૂ કરવામાં આવી રહ્યું છે. વિશેષ ચાર્ટર ફ્લાઈટ્સ અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે.’ વિદેશ મંત્રીએ ભારપૂર્વક કહ્યું, ‘અમે વિદેશમાં અમારા નાગરિકોની સુરક્ષા અને સુખાકારી માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ.’