- ખોટા સમાચાર ચલાવનારી વેબસાઇટ પર સ્ટ્રાઈક
- 2 વેબસાઇટ સહિત 35 યુટ્યૂબ ચેનલ બ્લોક કરાઇ
- તમામ ચેનલ અને સાઇટ પર ભારતવિરોધી પ્રોપગેન્ડા થતો
ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ ફરી એક વખત ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. સૂચના અને પ્રસારણમંત્રી અનુરાગ ઠાકુરની ચેતવણીના બીજા દિવસે જ સરકારે 35 યુટ્યૂબ ચેનલ, 2 ટ્વિટર એકાઉન્ટ, 2 ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ, 2 વેબસાઈટ અને એક ફેસબુક એકાઉન્ટને બ્લોક કર્યાં છે. આ કાર્યવાહી IT નિયમો અંતર્ગત કરવામાં આવી છે. આ તમામ એકાઉન્ટ પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહ્યાં હતાં. કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રાલયના સેક્રેટરી અપૂર્વ ચંદ્રા અને જોઈન્ટ સેક્રેટરી વિક્રમ સહાયે શુક્રવારે આ મામલે પ્રેસ-કોન્ફરન્સ કરી હતી.
વિક્રમ સહાયે કહ્યું હતું કે 20 જાન્યુઆરીએ મંત્રાલયને મળેલી ગુપ્ત જાણકારીના આધારે અમે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામે પગલાં લીધાં છે. આ તમામ ફેક ન્યૂઝ અને ભારતવિરોધી પ્રોપગેન્ડા કરી રહ્યા હતા. તો અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું હતું કે બ્લોક કરવામાં આવેલી યુટ્યૂબ ચેનલની પાસે 1.2 કરોડ સબ્સ્ક્રાઈબર અને 130 કરોડથી વધુ વ્યૂઝ હતા. ભારતીય ગુપ્તચર એજન્સીઓ આ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને વેબસાઈટ પર નજર રાખી રહી હતી. એમાં એ વાત સામે આવી કે આ તમામ નેટવર્ક ખોટા સમાચાર ફેલાવીને ભારતીયોને ગેરમાર્ગે દોરવાના હેતુથી ચલાવવામાં આવતી હતી.
આ ચેનલ એક નેટવર્કનો જ ભાગ હતી અને કોમન હેશટેગ અને એડિટિંગ સ્ટાઈલનો ઉપયોગ કરી રહ્યા હતા. એને સામાન્ય લોકો જ ચલાવી રહ્યા હતા. આ તમામ એકબીજાના કન્ટેન્ટને પ્રમોટ પણ કરી રહ્યા હતા. કેટલીક યુટ્યૂબ ચેનલ પાકિસ્તાની ટીવી ન્યૂઝ ચેનલના એન્કર ચલાવી રહ્યા હતા. એક દિવસ પહેલાં જ ગુરુવારે સૂચના અને પ્રસારણમંત્રી અનુરાગ ઠાકુરે ચેતવણી આપી હતી. દેશ વિરુદ્ધ ષડયંત્ર કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે ભારતવિરોધી કન્ટેન્ટ ફેલાવનાર અને ષડયંત્ર કરનાર વેબસાઈટ્સ-ચેનલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જે વેબસાઈટ્સ અને ચેનલ્સ પ્રતિબંધ લગાવવામાં આવી હતી એ ભારતમાં કાશ્મીર, ભારતીય સેના, જનરલ બિપિન રાવત, રામ મંદિર અને અલ્પસંખ્યક સમુદાય અંગે ખોટા સમાચાર ફેલાવતી હતી. કેન્દ્ર સરકારે કાર્યવાહીની સાથે જ આ ચેનલ્સની એક યાદી પણ જાહેર કરી હતી.