- એકજ દિવસમાં દેશમાં ઓમીક્રોનના 135 નવા કેસ આવ્યા
- ઓઇક્રોનના કેસનો આંકડો 687એ પહોચ્યો
- ગોવામાં 8 વર્ષનું બાળક થયું ઓમીક્રોન સંક્રમિત
દેશમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટે ચિંતાજનક ગતિ પકડી છે. સોમવારે, એક જ દિવસમાં ઓમિક્રોનનાં સૌથી વધુ 135 કેસ નોંધાયા હતા, જેથી હવે દર્દીઓની કુલ સંખ્યા 687 થઈ છે. સોમવારે ગોવા અને મણિપુરમાં પણ ઓમિક્રોનનો કેસ નોંધાયો હતો. ઓમિક્રોન અત્યાર સુધીમાં 21 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયો છે. ગોવામાં બ્રિટનથી પરત આવેલ 8 વર્ષનું બાળક ઓમિક્રોન પોઝિટિવ મળી આવ્યુ છે. ગોવાના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણેએ જણાવ્યું કે આ બાળક 17 ડિસેમ્બરે બ્રિટનથી ગોવા જવા રવાના થયો હતો. જયારે મણિપુરમાં એક 48 વર્ષીય વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યો છે. આ વ્યક્તિ થોડા દિવસ પહેલા તાન્ઝાનિયાથી ઇમ્ફાલ પરત ફર્યો છે. આ સાથેજ દિલ્હીમાં સોમવારે ઓમિક્રોનનાં રેકોર્ડ 63 નવા કેસ મળ્યા છે, જે દેશમાં એક જ દિવસમાં નોંધાયેલાં ઓમિક્રોનનાં કેસનો સૌથી મોટો આંક છે. રાજધાની દિલ્હીમાં ઓમિક્રોનનાં કુલ કેસની સંખ્યા 165 થઈ ગઈ છે.
ઓમિક્રોનનાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. અહીં સોમવારે 26 નવા સંક્રમિત મળી આવ્યા હતા. હવે મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિયન્ટના કુલ 167 કેસ થયા છે, જ્યારે દિલ્હીમાં 165, કેરળમાં 57, તેલંગાણામાં 55 અને ગુજરાતમાં 49 કેસ નોંધાયા છે. અહીં બે વિદેશી નાગરિકો ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યા હતા. કર્ણાટક બાદ ઓમિક્રોને ગુજરાતમાં એન્ટ્રી કરી હતી. આફ્રિકન દેશ ઝિમ્બાબ્વેથી જામનગર પરત ફરેલી ગુજરાતની વ્યક્તિ ઓમિક્રોન પોઝીટીવ મળી આવી હતી. ગુજરાત પછી, ઓમિક્રોન મહારાષ્ટ્ર અને 25 દિવસની અંદર 21 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાઈ ગયો છે.
નવા વર્ષ પહેલા રાજ્ય સરકારો પણ ભીડ પર પ્રતિબંધ અંગે પગલાં લઈ રહી છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, રાજસ્થાન અને હરિયાણા જેવા રાજ્યોમાં નાઇટ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે કોરોનાને લઈને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવી છે. ગઈકાલે દેશમાં કોરોનાના 6,358 નવા કેસ મળી આવ્યા હતા અને 6,450 દર્દીઓ સાજા થયા હતા. રિકવરી રેટ વધીને 98.40% થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં, 293 સંક્રમિત લોકોના મોત થયા છે, જેથી કુલ મૃત્યુઆંક વધીને 4.80 લાખ થયો છે. દેશમાં હજુ પણ 75,456 કોરોના દર્દીઓની સારવાર ચાલી રહી છે. નોંધનીય છે કે અત્યાર સુધીમાં 3.47 કરોડ કોરોનાના કેસ નોંધાયા છે.