દેશમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને રેપ વીડિયોની વધતી જતી ઘટનાઓને લઈને સુપ્રીમ કોર્ટ ચિંતિત થઈ છે. ચાઈલ્ડ પોર્નોગ્રાફી રેપ વીડિયોને ધડાધડ સોશિયલ મીડિયા પર અપલોડ કરાઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Meta અને માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પાસેથી જવાબ માગ્યો કે તેમણે તેમના પ્લેટફોર્મ પર ચાઈલ્ડ પોર્નોગ્રાફી કે રેપ વીડિયો અપલોડ થતો અટકાવવા શું પગલાં ભર્યાં છે. સુપ્રીમની એવી ઈચ્છા છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક રિપોર્ટ ફાઈલ કરીને આ વાતનો જવાબ આપે. જો કોઈ પગલાં ન લેવાયા હોય તો લેવાનો પણ ઓર્ડર અપાયો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મે સંવેદનશીલ કેસોમાં પોતાના પ્લેટફોર્મ પર આ વીડિયોને રોકવા માટે કેવા પ્રકારના નિયમો બનાવવામાં આવ્યા છે તેની માહિતી આપવી જોઈએ. આવી પ્રવૃત્તિઓને રોકવા માટે કંપનીઓએ માત્ર કડક નિયમો જ બનાવવા જોઈએ તેટલું જરુરી નથી પરંતુ એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે આ નિયમોનું પાલન યોગ્ય રીતે કરવામાં આવે જેથી કોઈ પણ આવા અશ્લીલ વીડિયો અપલોડ ન કરી શકે. સુપ્રીમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આવા વીડિયો અપલોડ ન થાય તે માટેના ત્વરિત પગલાં ભરવાનો આદેશ આપ્યો છે.
મોટા ભાગના કિસ્સામાં જોવા મળ્યું છે કે આવા વીડિયો શૂટ થયા બાદ ઓનલાઇન મૂકવામાં આવે છે, જેની અસર માત્ર છોકરીઓ પર જ નહીં પરંતુ બાળકો પર પણ પડે છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટ તરફથી મળેલા આદેશ પર કેન્દ્ર સરકાર આ મામલે વિસ્તૃત રિપોર્ટ દાખલ કરશે.
સામાન્ય રીતે અશ્લીલ વીડિયો ખૂબ વાયરલ થતા હોય છે અને અપલોડ થવાની ગણતરીના કલાકોમાં તે ખૂબ લોકોના હાથમાં પહોંચી જતા હોય છે અને તેને કારણે છોકરીઓ અને નાના બાળકો પર ખોટી અસર પડતી હોય છે આવી સ્થિતિને ટાળવા તે મૂળથી જ અપલોડ ન થાય તે જરુરી છે.