સ્થાનિક બજારમાં ખાંડની ઉપલબ્ધતા જાળવી રાખવા માટે સરકારે તેની નિકાસ પરના નિયંત્રણોને આવતા વર્ષે 31 ઓક્ટોબર સુધી લંબાવી દીધા છે. ખાંડની નિકાસ પરના નિયંત્રણો આ વર્ષે 31 ઓક્ટોબરે સમાપ્ત થવાના હતા. પરંતુ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે (DGFT) એ હવે તેને એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે સાંજે જારી કરાયેલા નોટિફિકેશનમાં આ માહિતી આપતા DGFTએ જણાવ્યું હતું કે, “કાચી, શુદ્ધ અને સફેદ ખાંડની નિકાસ પરના નિયંત્રણો 31 ઓક્ટોબર, 2022 થી 31 ઓક્ટોબર, 2023 સુધી અથવા આગળના આદેશો સુધી લંબાવવામાં આવ્યા છે.” આ સંબંધમાં અન્ય તમામ નિયમો અને શરતો યથાવત રહેશે.
જો કે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નિયંત્રણો CXL અને TRQ ડ્યુટી કન્સેશન ક્વોટા હેઠળ યુરોપિયન યુનિયન (EU) અને USમાં નિકાસ પર લાગુ થશે નહીં. સીએક્સએલ અને ટીઆરક્યુ શાસન હેઠળ આ બંને બજારોમાં ચોક્કસ માત્રામાં ખાંડની નિકાસ કરવામાં આવે છે. ભારત આ વર્ષે ખાંડનો સૌથી મોટો ઉત્પાદક તેમજ વિશ્વનો બીજો સૌથી મોટો નિકાસકાર દેશ રહ્યો છે.
દેશમાં ખાંડની કોઈ અછત ન સર્જાય અને લોકોને જે ભાવે મળે તે તે ભાવે ખાંડ મળી રહે એટલે સરકારે નિકાસ પ્રતિબંધ લગાવ્યો છે. નિકાસ પ્રતિબંધને કારણે ભારતીય ખાંડ બહાર નહીં જાય અને દેશમાં જ પૂરતા પ્રમાણમાં મળી રહેશે તેથી ભાવ નહીં વધે.