ઉત્તર કોરિયા દ્વારા બેલેસ્ટિક મિસાઈલ છોડવાને કારણે દક્ષિણ કોરિયાથી લઈને જાપાન સુધી હાડકંપ મચી ગયો છે. આ પછી જાપાનમાં રેડ સાયરન વાગવા લાગ્યા તો બીજી તરફ સાઉથ કોરિયા પણ ભડક્યું હતું. આ ઘટના બાદ દક્ષિણ કોરિયાએ કહ્યું કે રાષ્ટ્રપતિએ તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર નથી
બેલેસ્ટિક મિસાઈલ દક્ષિણ કોરિયાના જળસીમા નજીક પડ્યાના થોડા સમય બાદ ઉત્તર કોરિયા દ્વારા ઓછામાં ઓછી 10 અલગ-અલગ પ્રકારની બેલેસ્ટિક મિસાઈલો છોડવામાં આવી હતી. સૌ પ્રથમ સિઓલ સૈન્યએઆની પુષ્ટિ કરી હતી.
ઉત્તર કોરિયાના મિસાઈલ પ્રક્ષેપણથી પૂર્વ એશિયામાં યુદ્ધનો ખતરો વધી ગયો છે. બુધવાર, 2 નવેમ્બર, 2022ની સવારે ઉત્તર કોરિયા દ્વારા છોડવામાં આવેલી 3 બેલેસ્ટિક મિસાઈલને કારણે દક્ષિણ કોરિયાના ઘણા શહેરોમાં અચાનક હવાઈ હુમલાના સાયરન વાગવા લાગ્યા. જો કે આ ટૂંકા અંતરની SRBM મિસાઈલો કોઈ વસ્તીવાળા વિસ્તારમાં પડી ન હતી પરંતુ પૂર્વ સમુદ્રમાં પડી હતી. જેના કારણે કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર નથી.
દક્ષિણ કોરિયાની સરકારના જણાવ્યા અનુસાર, આ મિસાઇલો ઉત્તર કોરિયાના વોન્સન શહેર અથવા તેની નજીકની સાઇટ પરથી છોડવામાં આવી હતી. અર્લી વોર્નિંગ સિસ્ટમે સ્થાનિક સમય મુજબ 8.51 વાગ્યે આ માહિતી આપી હતી. ત્રણમાંથી એક મિસાઈલ ઉત્તરીય સીમા રેખા (NLL) પાસે સમુદ્રમાં પડી હતી. તે જ સમયે, બીજી મિસાઇલ દક્ષિણ કોરિયાના શહેર સોકચોથી 57 કિમી પૂર્વમાં સમુદ્રમાં પડી હતી. ત્રીજી મિસાઇલ સમુદ્રમાં પડતા પહેલા ઉલેલુંગ ટાપુ તરફ આગળ વધી હતી, જેનાથી આ વિસ્તારમાં હવાઈ હુમલાની સાયરન વાગી હતી. ઉત્તર કોરિયાની આ નવીનતમ મિસાઈલ કાર્યવાહીને સોમવારે શરૂ થયેલી દક્ષિણ કોરિયા અને અમેરિકાની 5 દિવસીય સંયુક્ત હવાઈ અભ્યાસ સાથે જોડવામાં આવી રહી છે.
મિસાઈલના આ વધતા જતા ખતરાઓને પગલે અમેરિકા અને દક્ષિણ કોરિયાની 5 દિવસીય વિજિલન્ટ બેઠક શરૂ થઈ હતી. ઉત્તર કોરિયા ટૂંક સમયમાં પરમાણુ પરીક્ષણ કરે તેવી આશંકા વચ્ચે અમેરિકા અને દક્ષિણ કોરિયા આ કવાયત કરી રહ્યા છે, જેમાં અમેરિકાના અદ્યતન સ્ટીલ્થ જેટ સહિત 240થી વધુ વિમાનો ભાગ લઈ રહ્યા છે.
દક્ષિણ કોરિયાની સેનાએ કહ્યું છે કે ઉત્તર કોરિયાના આવા ઉશ્કેરણીજનક કૃત્યોને ક્યારેય સહન કરી શકાય નહીં. તેને જડબાતોડ જવાબ પણ આપવામાં આવશે. આ દરમિયાન, રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની તાકીદની બેઠક પણ બોલાવી છે. આ મિસાઈલ ઉત્તર કોરિયા તરફથી એક અઠવાડિયાથી ઓછા સમયમાં બીજી વખત છોડવામાં આવી હતી.
આ અંગે જાપાન સરકાર પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. જાપાનના વડાપ્રધાન કાર્યાલયે ટ્વીટ કરીને કહ્યું કે, ઉત્તર કોરિયાએ એક શંકાસ્પદ બેલેસ્ટિક મિસાઈલ લોન્ચ કરી છે. જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાએ “પૂર્વ સમુદ્ર તરફ અજાણી બેલેસ્ટિક મિસાઈલ” લોન્ચ કરી હતી. સિઓલે લોન્ચિંગ પછી ઉલુંગડો ટાપુ માટે હવાઈ હુમલાની ચેતવણી પણ જારી કરી હતી. સાથે જ એરક્રાફ્ટ, જહાજો અને અન્ય સંપત્તિઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. આ સિવાય સાવચેતી રૂપે દરેક સંભવિત પગલાં લેવામાં આવી રહ્યા છે.