કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને જનતાની સામે માફી માંગવી પડી. મધ્યપ્રદેશમાં રસ્તાઓની હાલત જોઈને ગડકરીને ખૂબ જ દુઃખ થયું. આ એ જ રસ્તાઓ છે જેને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અમેરિકાના રસ્તાઓ કરતા સારા ગણાવે છે. આજે આ રસ્તાઓના કારણે ગડકરીએ ખુલ્લા મંચ પર લોકોની માફી માંગી હતી. તેમજ આ રોડને કારણે લોકોને પડતી મુશ્કેલી અંગે નારાજગી દર્શાવી હતી.
વાસ્તવમાં, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી ગડકરીએ મંડલા અને જબલપુરમાં આયોજિત કાર્યક્રમોમાં રસ્તાઓનું ભૂમિપૂજન અને ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે મધ્યપ્રદેશના તમામ રસ્તાઓનો ઉલ્લેખ કર્યો. જેમાં મંડલા-જબલપુર હાઈવે વિશે ચર્ચા કરતા તેમણે હાઈવેના નિર્માણમાં ગુણવત્તા સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને લોકોને પડતી અસુવિધા માટે માફી પણ માંગી હતી.
એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન આ રોડના નિર્માણ કાર્યમાં સુધારો કરવા અધિકારીઓને સૂચના આપી અને ટૂંક સમયમાં નવું ટેન્ડર બહાર પાડવા જણાવ્યું હતું. આ દરમિયાન તેમણે રસ્તાઓના વિકાસને દેશનો વિકાસ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે જો કોઈ ભૂલ થઈ હોય તો તેના માટે માફી પણ માંગવી જોઈએ. તેમણે પોતે મંચ પરથી જણાવ્યું કે તેમણે અધિકારીઓને કહ્યું કે ‘નવું ટેન્ડર બહાર પાડો અને ટૂંક સમયમાં આ રોડને સારી રીતે પૂરો કરો’.
આ સાથે તેમણે કાન્હા નેશનલ પાર્ક વિશે કહ્યું કે તે આખી દુનિયામાં પ્રખ્યાત છે. ટૂંક સમયમાં અહીં રોડ કનેક્ટિવિટી સુધારવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન તેમણે 1261 કરોડના ખર્ચે પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે મંડલા અને કાન્હા નેશનલ પાર્કની પ્રાકૃતિક સુંદરતા હંમેશા પ્રવાસીઓને આકર્ષે છે. આ રોડ પ્રોજેક્ટ્સના નિર્માણથી આ વિસ્તાર અને તેના વનવાસીઓને વધુ સારી સુવિધા મળશે.