નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ સોમવારે ચાર રાજ્યોમાં અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. એજન્સીની ટીમ કર્ણાટક, દિલ્હી, મહારાષ્ટ્ર અને ઝારખંડ પહોંચી હોવાના અહેવાલ છે. NIAની ટીમો જેહાદી આતંકવાદી સંગઠન નેટવર્ક સાથે સંબંધિત કેસમાં એક સાથે દરોડા પાડી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, NIAએ એકલા કર્ણાટકમાં જ 19 સ્થળો પર દરોડા પાડ્યા છે. અગાઉ 13 ડિસેમ્બરે એજન્સીએ આતંકવાદી ષડયંત્રના કેસમાં બેંગ્લોરમાં અડધો ડઝનથી વધુ સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું.
આતંકવાદીઓ સાથે જોડાયેલા હોવાની આશંકા ધરાવતા લોકોના સ્થાનો પર હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. 9 ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્ર અને કર્ણાટકના અલગ-અલગ વિસ્તારોમાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠનના 15 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ સર્ચ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ NIAની ટીમે પુણે, મીરા રોડ, મહારાષ્ટ્રના થાણે અને કર્ણાટકના બેંગલુરુ સહિત 44 અન્ય સ્થળો પર દરોડા પાડ્યા હતા.