NIAની ટીમોએ શનિવારે મધ્ય પ્રદેશના સિઓનીમાં ચાર અને મહારાષ્ટ્રના પુણેમાં એક જગ્યાએ સર્ચ હાથ ધર્યું હતું. NIAના દિલ્હી હેડક્વાર્ટરમાં નોંધાયેલા કેસના સંદર્ભમાં તપાસ દરમિયાન, NIAની ટીમ સિવની જિલ્લામાં શંકાસ્પદ અને ગેરકાયદેસર ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ તપાસ કરવા સિવની પહોંચી હતી.
NIA એ ઇસ્લામિક સ્ટેટ-ખોરાસન પ્રાંત (ISKP) કેસમાં શંકાસ્પદ એવા પૂણેમાં તલ્હા ખાન અને સિઓનીમાં અકરમ ખાનના ઘરો પર સર્ચ હાથ ધર્યું હતું. દિલ્હીના ઓખલાના કાશ્મીરી દંપતી જહાં જૈબ સામી વાની અને તેની પત્ની હિના બશીર બેગની ધરપકડ બાદ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા આ કેસ નોંધવામાં આવ્યો હતો.
આ દંપતી ISKP સાથે જોડાયેલ હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ દરમિયાન, અન્ય એક આરોપી, અબ્દુલ્લા બાસિથની ભૂમિકા સામે આવી હતી, જે NIA દ્વારા તપાસ કરી રહેલા અન્ય કેસમાં તિહાર જેલમાં પહેલેથી જ બંધ હતો.
આ ઉપરાંત NIAએ શિમોગા IS ષડયંત્ર કેસમાં સિઓનીમાં અન્ય ત્રણ સ્થળોએ પણ સર્ચ હાથ ધર્યું હતું. જે સ્થળોની તપાસ કરવામાં આવી હતી તેમાં શંકાસ્પદ અબ્દુલ અઝીઝ સલ્ફી અને શોએબ ખાનના રહેણાંક અને વ્યવસાયિક જગ્યાનો સમાવેશ થાય છે.
મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ જણાવ્યું કે NIA અબ્દુલ અઝીઝ સલ્ફી અને શોએબ ખાનને જબલપુર લઈ ગઈ હતી અને પૂછપરછ બાદ નોટિસ આપીને બંનેને છોડી દીધા છે. નોટિસ આપ્યા બાદ તેમને બેંગલુરુ બોલાવવામાં આવ્યા છે.
એજન્સીએ કહ્યું કે શિમોગા કેસમાં વિદેશથી ઘડવામાં આવેલા કાવતરામાં આરોપી મોહમ્મદ શારિક, માઝ મુનીર ખાન, યાસીન અને અન્ય લોકોએ ગોડાઉન, દારૂના ઠેકાણા જેવી જાહેર અને ખાનગી મિલકતોને નિશાન બનાવી અને વિદેશમાં સ્થિત તેમના હેન્ડલર્સની સૂચના પર આગચંપી અને તોડફોડ કરી. 25 થી વધુ ઘટનાઓને અંજામ આપ્યો હતો.