નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ટેરર ફંડિંગ NGO કેસમાં જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાંથી ઈરફાન મેહરાજની ધરપકડ કરી છે. એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી. ઓક્ટોબર 2020માં નોંધાયેલા કેસની વિસ્તૃત તપાસ બાદ ધરપકડ કરવામાં આવી છે. અધિકારીએ કહ્યું કે ઈરફાન મેહરાજ ખુર્રમ પરવેઝનો નજીકનો સહયોગી હતો અને તેની સંસ્થા જમ્મુ અને કાશ્મીર કોએલિશન ઓફ સિવિલ સોસાયટીઝ (JKCCS) સાથે કામ કરતો હતો.
અધિકારીએ જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે JKCCS ખીણમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ભંડોળ પૂરું પાડતું હતું અને માનવ અધિકારોના રક્ષણની આડમાં ખીણમાં અલગતાવાદી એજન્ડાનો પ્રચાર કરવામાં પણ સામેલ હતો. તપાસ એજન્સીએ કહ્યું કે આ મામલામાં આતંકવાદી પ્રવૃત્તિઓને ફાઇનાન્સ કરવામાં ઘાટીમાં કેટલાક એનજીઓ, ટ્રસ્ટ અને સોસાયટીઓની સંડોવણીની તપાસ કરવામાં આવી રહી છે.
રજિસ્ટર્ડ અને અનરજિસ્ટર્ડ બંને એનજીઓ દાનની આડમાં અને જાહેર આરોગ્ય, શિક્ષણ વગેરે સહિતની વિવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓ માટે દેશ અને વિદેશમાં ભંડોળ એકત્ર કરતી જોવા મળી હતી. પરંતુ આમાંના કેટલાક સંગઠનોએ લશ્કર-એ-તૈયબા (LeT), હિઝબુલ મુજાહિદ્દીન (HM) વગેરે જેવા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથે સંબંધો વિકસાવ્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.