યુક્રેનમાં સુરક્ષાની ખરાબ થતી સ્થિતિ અને હાલમાં થયેલા હુમલાને જોતા ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી છે. બુધવારે ભારતીય દૂતાવાસે કહ્યું કે, ભારતના નાગરિકો યુક્રેનની યાત્રા ન કરવાની સલાહ આપવામાં આવે છે. દૂતાવાસે યુક્રેનમાં રહેલા વિદ્યાર્થીઓ સહિત ભારતીય નાગરિકોને ફટાફટ યુક્રેન છોડવાના આદેશ આપ્યા છે.
બુધવારે જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનના ચાર ક્ષેત્રોમાં માર્શલ લોની ઘોષણા કરી છે. આ ક્ષેત્ર લુહાન્સ્ક, ડોનેટસ્ક, ઝાપોરિઝ્ઝિયા અને ખેરસોન, તેના પર રશિયાએ ગેરકાયદેસર રીતે કબ્જો કરી લીધો છે. માર્શલ લોની ઘોષણા બાદ રશિયાના તમામ ક્ષેત્રોના પ્રમુખોને વધારાની ઈમરજન્સી શક્તિઓ મળી ગઈ છે.
રશિયા તરફથી હાલમાં જ યુક્રેન પર હુમલાઓ ઝડપી કરી દીધા છે. ગત સોમવારે જ યુક્રેનના કેટલાય શહેરો પર ડ્રોનથી હુમલા કર્યા હતા. યુક્રેન તરફથી કહેવાયુ છે કે ડ્રોન હુમલામાં છ લોકોના જીવ ગયા હતા.
જેમાં એક ગર્ભવતી મહિલા પણ સામેલ હતી. આ અગાઉ 10 ઓક્ટોબરે પણ રશિયા તરફથી યુક્રેનમાં લગભગ 84 મિસાઈલો છોડવામાં આવી હતી. આ હુમલામાં 19 લોકોના મોત થયા હતાં.