Tamil Nadu: તમિલનાડુ સરકાર મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાની આર્થિક મદદ કરશે. આ ઘટના 19 જૂને પ્રકાશમાં આવી હતી. જે બાળકોએ તેમના માતા-પિતા અથવા તેમાંથી કોઈ એક ગુમાવ્યું છે તેમના શિક્ષણ અને હોસ્ટેલનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકારે ઉઠાવવાની પણ જાહેરાત કરી છે.
156 લોકો હોસ્પિટલમાં દાખલ
કુલ 156 લોકો વિવિધ સરકારી હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. કલ્લાકુરિચી સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં કુલ 110 લોકો દાખલ છે. પુડુચેરીમાં 12, સાલેમમાં 20 અને વિલુપ્પુરમની સરકારી હોસ્પિટલમાં ચાર લોકોની સારવાર ચાલી રહી છે. પાંચ પુરૂષ અને બે મહિલાઓ સહિત કુલ સાત લોકોને રજા આપવામાં આવી છે. કલ્લાકુરિચી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ માહિતી શેર કરવામાં આવી છે.
ક્યાં અને કેટલા મૃત્યુ થયા?
અત્યાર સુધીમાં સરકારી કલ્લાકુરિચી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 32 લોકોના મોત થયા છે, સાલેમની સરકારી મોહન કુમારમંગલમ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 18 લોકોના મોત થયા છે. ચાર લોકોએ સરકારી વિલ્લુપુરમ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં અને ત્રણ લોકોએ પુડુચેરીના જવાહરલાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચમાં જીવ ગુમાવ્યા છે.
રાજ્ય સરકાર બાળકોને આર્થિક મદદ કરશે
તમિલનાડુ સરકાર માતા-પિતા ગુમાવનારા બાળકોને 18 વર્ષની ઉંમર સુધી દર મહિને 5000 રૂપિયાની સહાય આપશે. આ બાળકોના નામે 5 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝીટ કરવામાં આવશે. માતાપિતામાંથી એક ગુમાવનાર બાળકના નામે 3 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ કરવામાં આવશે. 18 વર્ષના થયા બાદ બાળકો વ્યાજ સહિત આ રકમ ઉપાડી શકશે.
ભાજપે વિપક્ષને ઘેરી લીધા
બીજી તરફ ભારતીય જનતા પાર્ટી (BJP)એ આ મામલે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ સંબિત પાત્રાએ કોંગ્રેસના મૌન પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે તમિલનાડુની દારૂની દુર્ઘટના પર મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા અને સોનિયા ગાંધી કેમ ચૂપ છે? પાત્રાએ આ ઘટનાને પ્રાયોજિત હત્યા ગણાવી હતી.