વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે કે શુક્રવારે મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે બે વંદે ભારત ટ્રેન મુંબઈ-સોલાપુર અને મુંબઈ-સાઈનગર શિરડીને લીલી ઝંડી બતાવી હતી. આ સિવાય તેમણે બે રોડ પ્રોજેક્ટ્સ – સાંતાક્રુઝ ચેમ્બુર લિંક રોડ અને કુરાર અંડરપાસ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ, રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા.
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આજે પહેલીવાર એક સાથે બે વંદે ભારત ટ્રેન શરૂ થઈ છે, જેનાથી રાજ્યમાં પ્રવાસન અને તીર્થયાત્રાને પ્રોત્સાહન મળશે. તેમણે કહ્યું કે વંદે ભારત ટ્રેન એ આજના આધુનિક ભારતનું અદ્ભુત ચિત્ર છે. તે ભારતની ઝડપ અને સ્કેલનું પ્રતિબિંબ છે. તમે જોઈ રહ્યા છો કે દેશમાં કેટલી ઝડપથી વંદે ભારત શરૂ થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં આવી 10 ટ્રેનો શરૂ કરવામાં આવી છે. આજે દેશના 17 રાજ્યોના 108 જિલ્લા વંદે ભારત સાથે જોડાયા છે.
ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા પર ભાર મૂકતા પીએમએ કહ્યું કે ભારતના ઈતિહાસમાં પહેલીવાર 10 લાખ કરોડ રૂપિયા માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે જ રાખવામાં આવ્યા છે. આ 9 વર્ષની સરખામણીમાં 5 ગણો વધુ છે જેમાં રેલવેનો હિસ્સો 2.5 લાખ કરોડ છે. મને ખાતરી છે કે ડબલ એન્જિનની સરકારના બેવડા પ્રયાસોથી મહારાષ્ટ્રમાં કનેક્ટિવિટી વધુ ઝડપથી આધુનિક બનશે.
આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે કેટલાક લોકો કહે છે કે બજેટમાં મહારાષ્ટ્રને શું મળ્યું, પરંતુ તેમણે કદાચ વાંચ્યું નથી. શિંદેએ કહ્યું કે મહારાષ્ટ્રને ક્યારેય રેલ્વે માટે 13,500 કરોડ રૂપિયા મળ્યા નથી જેમ કે રેલ્વે મંત્રીએ કહ્યું હતું. રાજ્યમાં રેલવે માટે પ્રથમ વખત આટલી રકમ ફાળવવામાં આવી છે.
મુંબઈ-સોલાપુર અને મુંબઈ-સાઈનગર શિરડી વંદે ભારત એક્સપ્રેસના ઉદ્ઘાટન સમારોહમાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે રાજ્યને એકસાથે બે વંદે ભારતની ભેટ આપવામાં આવી છે. તેમણે જાહેરાત કરી હતી કે ઐતિહાસિક છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસને આંતરરાષ્ટ્રીય કક્ષાનું ટર્મિનસ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે.
લોકોને વંદે ભારત દ્વારા મુસાફરી કરવાની સુવિધા મળશે
- પીએમ મોદી દ્વારા જે બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવાશે તે યાત્રાધામોની યાત્રાને સરળ બનાવશે.
- મુંબઈ-સાઈનગર શિરડી વંદે ભારત ટ્રેન દેશની 10મી વંદે ભારત ટ્રેન હશે.
- આ ટ્રેન મહારાષ્ટ્રના નાસિક, ત્ર્યંબકેશ્વર, સાઈનગર શિરડી, શનિ શિંગણાપુર જેવા મહત્વના તીર્થસ્થાનોની યાત્રા કરશે.
- મુંબઈથી સોલાપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ મહત્વના તીર્થસ્થાનો જેવા કે સિદ્ધેશ્વર, સોલાપુર નજીક અક્કલકોટ, તુલજાપુર, પંઢરપુર અને પૂણે નજીક આલંદી સુધીની મુસાફરીની સગવડ આપશે.