સમાજવાદી પાર્ટીના સંસ્થાપક અને ઉત્તર પ્રદેશના ત્રણ વખત મુખ્યમંત્રી રહેલા મુલાયમ સિંહ યાદવનું લાંબી બીમારી બાદ સોમવારે નિધન થયું હતું. તેમણે 82 વર્ષની ઉંમરે ગુરુગ્રામના મેદાંતા હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. આજે રાજકીય સન્માન સાથે તેમનું પેતૃક ગામ સેફઇમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના પાર્થિવ શરીરને સવારે 10 વાગ્યે અંતિમ દર્શન માટે સેફઇ મેલા ગ્રાઉન્ડના પંડાલમાં રાખવામાં આવશે. લગભગ 3 વાગ્યે રાજકીય સન્માન સાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કારમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ સામેલ થશે. ઉપરાંત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સેફઇ જશે. હેમંત સોરેન, ઓમ બિડલા, કેસીઆર, કમલનાથ સહિત કેન્દ્રીય મંત્રી પણ શ્રદ્ધાંજલિ અર્પિત કરવા જશે. તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ, સંજય સિંહ પણ સેફઇ પહોંચશે
ગઇકાલે સાંજે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન પણ મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપવા તેમના પૈતૃક ગામ સેફઇ પહોંચ્યા હતા. આઝમ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા હતા ત્યારે અખિલેશે તેમને સહારો આપ્યો હતો. મુલાયમ સિંહના નિધન બાદ આઝમ ખાન સરગંગારામ હોસ્પિટલથી તેમના ઘર રામપુર પહોંચ્યા હતા. તે બાદ સેફઇ માટે રવાના થયા હતા.
નોંધનીય છે કે, મુલાયમ સિંહ યાદવને ઓગસ્ટમાં મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બે ઓક્ટોબરે ઓક્સિજન લેવલ ઘટતાં તેમને આઇસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. ગઇકાલે મુલાયમ સિંહના નિધન બાદ તેમનો પાર્થિવ દેહ યુમના એક્સપ્રેસ વે દ્વારા 311 કિલોમીટરનું અંતર કાપી પૈતૃક ગામ લવાયો છે. આજે બપોરે લગભગ 3 વાગ્યે રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર થશે.