ટીવી હોય કે યુ ટ્યુબ હવે નહિ જોવા મળે ભ્રામક જાહેરાતો
સેલિબ્રિટીઓએ પણ જાહેરાતના આ નિયમો પાળવા પડશે
નિયમ ભંગ કરનારને 50 લાખના દંડથી લઇ જેલ સુધીની થઇ શકે છે સજા
ટીવી હોય કે યુ ટ્યુબ હોય આપડે રોજે અનેક જાહેરાતો જોતા હોય છીએ . આ જાહેરાતોમાં પ્રોડક્ટની અતિશયોક્તિ બતાવવામાં આવે છે.ત્યારે હવે આવી જાહેરાતો કોઈ કંપની બતાવી શકશે નહિ. કારણકે આ માટે સરકારે હવે નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. સોડા વોટરના નામે દારૂનું વેચાણ હોય કે પછી એલચીના નામે ગુટખાનું વેચાણ, આવી ભ્રામક જાહેરાતો ટીવી, યુટ્યુબ અને અખબારોમાં જોવા નહીં મળે. તાજેતરના લેયર શોટ વિવાદ પછી, સરકારે ગેરમાર્ગે દોરતી જાહેરાતો પર પ્રતિબંધ મૂક્યો છે. તાજેતરમાં, બોડી સ્પ્રે બ્રાન્ડ લેયર શોટ ડીયોની જાહેરાતને લઈને ઘણો વિવાદ થયો હતો. શુક્રવારે સરકારે આવી જાહેરાતો અંગે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. ગાઈડલાઈન મુજબ હવે ભ્રામક જાહેરાતો સામે કાર્યવાહી કરવામાં આવશે.
સરકાર દ્વારા લેવામાં આવેલ આ નિર્ણયનો હેતુ પારદર્શિતા લાવવાનો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયની નવી માર્ગદર્શિકા તાત્કાલિક અસરથી અમલમાં લાવવામાં આવી છે. આમાં બાળકોને લક્ષ્યમાં રાખી કરાયેલ જાહેરાતો અને ગ્રાહકોને લલચાવવા માટે મફત દાવાઓનો સમાવેશ થાય છે. માર્ગદર્શિકામાં નિર્દેશ આપવામાં આવ્યો છે કે જાહેરાત જારી કરતા પહેલા યોગ્ય કાળજી લેવી જોઈએ.ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા સૂચિત નવી માર્ગદર્શિકામાં, ‘સરોગેટ’ જાહેરાતો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જાહેરાતો દર્શાવતી વખતે ઘોષણામાં વધુ પારદર્શિતા લાવવા માટે કહેવામાં આવ્યું છે.આ સાથે જ સરકારે સેલિબ્રિટીઓને લઈને નિયમોમાં પણ કડકાઈ લાવવામાં આવી છે. જો કોઈ સેલિબ્રિટી કોઈ પ્રોડક્ટની જાહેરાત કરે છે અથવા તેના ફાયદા જણાવે છે, તો પહેલા તેણે ખાતરી કરવી પડશે કે તે જે ફાયદો કહી રહ્યો છે તેને પણ તે લાભ મળ્યો છે. તેવી જ રીતે, જો સેલિબ્રિટીની પ્રોડક્ટ બનાવતી કંપનીમાં કોઈ હિસ્સો હોય તો તેણે પણ આ માહિતી આપવી પડશે.
‘સરોગેટ’ જાહેરાતો એવી જાહેરાતો છે જેમાં, ઉત્પાદનનું સીધું વર્ણન કર્યા વિના, તેને અન્ય સમાન ઉત્પાદન અથવા સંપૂર્ણપણે અલગ ઉત્પાદન તરીકે બતાવવામાં આવે છે. જેમ કે સોડા વોટરના બહાને દારૂનો પ્રચાર કરવો કે એલચીના બહાને ગુટખાનો પ્રચાર કરવો.આ માર્ગદર્શિકાની જાહેરાત કરતા, ગ્રાહક બાબતોના સચિવ, રોહિત કુમાર સિંઘે જણાવ્યું હતું કે, “ગ્રાહકો જાહેરાતોમાં ઘણો રસ લે છે. CCPA એક્ટ હેઠળ, ઉપભોક્તાઓના અધિકારોને અસર કરતી ભ્રામક જાહેરાતોનો સામનો કરવાની જોગવાઈ છે.”મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલ આ માર્ગદર્શિકા પ્રિન્ટ, ટેલિવિઝન અને ઓનલાઈન જેવા તમામ પ્લેટફોર્મ પર લાગુ થશે. નવી માર્ગદર્શિકાના ઉલ્લંઘન પર સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ (CCPA)ની જોગવાઈઓ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.CCPA કોઈપણ ભ્રામક જાહેરાત માટે ઉત્પાદકો, જાહેરાતકર્તાઓ અને સમર્થન આપનારાઓ પર 10 લાખ રૂપિયા સુધીનો દંડ લાદી શકે છે. ત્યારપછીના ઉલ્લંઘન પર 50 લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. ભ્રામક જાહેરાતને સમર્થન આપનાર પર ઓથોરિટી 1 વર્ષનો પ્રતિબંધ લાદી શકે છે. અનુગામી ઉલ્લંઘન માટે આને 3 વર્ષ સુધી લંબાવી શકાય છે. આ નિયમો ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી જાહેરાતો સામે ફરિયાદ નોંધાવવા માટે પણ સક્ષમ બનાવશે.