દિવાળીનો તહેવાર જેમ જેમ નજીક આવી રહ્યો છે, સરકાર તરફથી જનતાને મોટી મોટી લ્હાણી ચાલુ થઈ ગઈ છે. પહેલા મોંઘવારી ભથ્થું, બાદમાં બોનસ અને હવે ગ્રાહકોને સસ્તુ ભોજન આપવાની તૈયારીમાં છે. મોંઘવારીથી ત્રસ્ત જનતાને તહેવારમાં રાહત આપવા માટે સરકારે સસ્તા ભાવે દાળ અને ડુંગળી આપવાની ઘોષણા કરી છે.
ગ્રાહક બાબતોના મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, દિવાળી પર ખાવા-પીવાના સામાન પર કંટ્રોલ કરવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. સરકારે મોટી એક્શન લેતા રાજ્યોને અત્યંત નજીવા ભાવે દાળ આપવાની ઘોષણા કરી છે. મંત્રાલયે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારે દાળની કિંમતમાં 8 રૂપિયાનો કાપ મુક્યો છે અને આ ભાવે રાજ્યોને દાળ આપવામાં આવશે. જેથી ગ્રાહકો સુધી સસ્તું અનાજ પહોંચાડી શકાય. અને તહેવારો પર દાળની કમી અનુભવાય નહીં.
આ ઉપરાંત સરકાર ડુંગળીની કિંમતોને કંટ્રોલ કરવા માટે કામ કરી રહી છે. ગ્રાહક બાબતોના મંત્રાલય અનુસાર, સરકાર એવી વ્યવસ્થા કરશે તે તહેવાર પર બજારમાં ડુંગળીની તંગી ન સર્જાય, તેના માટે બફર સ્ટોકમાંથી ડુંગળી આપવામાં આવશે.
સરકાર પાસે હાલમાં કઠોળનો લગભગ 43 ટન સ્ટોક છે. કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં રાજ્યોને 88,000 ટન દાળ પૂરી પાડી છે. સરકારનું માનવું છે કે દિવાળી પર ભાવ નહીં વધે. અગાઉ સરકારે ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે કઠોળના લઘુતમ ટેકાના ભાવમાં પણ વધારો કર્યો હતો. આ અંતર્ગત મસૂર દાળની એમએસપીમાં 500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો હતો. આ પછી દાળની એમએસપી 5,500 રૂપિયા વધીને 6000 રૂપિયા થઈ ગઈ છે.
ભારત હાલમાં તેની ગ્રાહકની જરૂરિયાતોને પહોંચી વળવા કઠોળની આયાત કરે છે. ગ્રાહક મંત્રાલયના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2022થી 2026 સુધી દેશમાં દર વર્ષે 2.5 લાખ ટન અડદ અને 1 લાખ ટન તુવેર દાળની આયાત થશે. આ કન્સાઇન્મેન્ટ મ્યાનમારથી આવશે. આ ઉપરાંત આગામી પાંચ વર્ષમાં 50 હજાર ટન તુવેરદાળની પણ દક્ષિણ-પૂર્વ આફ્રિકન દેશ મલાવીથી આયાત કરવામાં આવશે અને મોઝામ્બિકથી સરકાર 2026 સુધીમાં ખાનગી વેપાર દ્વારા 2 લાખ ટન તુવેરદાળની આયાત કરશે.