નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસીય યુરોપ પ્રવાસના છેલ્લા દિવસે ફ્રાન્સ પહોંચ્યા
મોદીની આ પાંચમી ફ્રાંસ મુલાકાત હતી
મોદીએ નોર્ડિક દેશોના વડાપ્રધાનો સાથે ભારત સાથેના સંબંધો પર ચર્ચા કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસીય યુરોપ પ્રવાસના છેલ્લા દિવસે બુધવારે ફ્રાન્સ પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ મેક્રોન સાથે મુલાકાત કરતા પહેલા પીએમ મોદીએ પેરિસમાં ભારતીયો સાથે મુલાકાત કરી હતી.વડાપ્રધાન મોદીની આ પાંચમી ફ્રાંસ મુલાકાત હતી.મોદી એવા સમયે પેરિસ પહોંચ્યા હતા જ્યારે ફ્રાન્સ યુરોપિયન યુનિયનની અધ્યક્ષતા કરી રહ્યું છે. બંને નેતાઓએ યુક્રેન-રશિયા યુદ્ધથી સંકટનો સામનો કરવા અંગે ચર્ચા કરી હતી. તેઓ સંરક્ષણ, ટેકનોલોજી, અંતરિક્ષ અને ઉર્જા ક્ષેત્રે સહયોગ વધારવા અને સાથે મળીને કામ કરવા માટે પણ સંમત થયા હતા.આ સિવાય પીએમ મોદીએ ઈમેન્યુઅલ મેક્રોનને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ફરીથી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ફ્રાન્સમાં 2002 પછી કોઈ નેતા ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા નથી. પરંતુ મેક્રોને આ પરંપરાને તોડી નાંખી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ બેઠકની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.પેરિસ પહોંચતા પહેલા પીએમ મોદીએ ડેનમાર્કમાં બીજી ભારત-નોર્ડિક સમિટમાં હાજરી આપી હતી. સમ્મેલનમાં ભાગ લીધા બાદ મીડિયાને જણાવ્યું કે ભારત અને નોર્ડિક દેશ વિશ્વની સમૃદ્ધિ અને સતત વિકાસથી ઘણું મેળવી શકીએ છીએ અને તેમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકીએ છીએ.સમ્મેલન દરમિયાન પીએમ મોદીએ નોર્ડિક દેશોના વડાપ્રધાનો સાથે ભારત સાથેના સંબંધો પર ચર્ચા કરી હતી. યુક્રેન-રશિયા સંઘર્ષ સહિત વૈશ્વિક સ્થિતિ વિશે પણ વાત કરી હતી. તેમણે નોર્વેનાં વડાપ્રધાન જોનાસ ગહર સ્ટેર વચ્ચે બ્લુ ઇકોનોમી, રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, સૌર અને પવન પ્રોજેક્ટ્સ, ગ્રીન શિપિંગ, ફિશરીઝ, વોટર મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોને વિસ્તારવા બાબતે ચર્ચા કરી હતી.