કોલકાતા મેટ્રો ઐતિહાસિક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જે અંતર્ગત દેશમાં પહેલીવાર ગંગા નદીની નીચે મેટ્રો દોડશે. એટલું જ નહીં, જો બધું બરાબર રહ્યું તો આવતા વર્ષે જાન્યુઆરી સુધીમાં દેશને એશિયાનું બીજું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન પણ મળી જશે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હવે અંતિમ તબક્કામાં છે.
ઇસ્ટ-વેસ્ટ મેટ્રો પ્રોજેક્ટ હેઠળ, કોલકાતાના સોલ્ટ લેક સેક્ટર-5ને હાવડા મેદાન સાથે જોડતા મહત્વાકાંક્ષી મેટ્રો પ્રોજેક્ટ હેઠળ મેટ્રો ગંગા (હુગલી) નદીની નીચેથી દોડશે. દેશમાં આ પ્રકારનો આ પ્રથમ મેટ્રો પ્રોજેક્ટ છે. આ સાથે હાવડા શહેરને આવતા વર્ષે જાન્યુઆરી સુધીમાં એશિયાનું બીજું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન મળશે. હાવડા સ્ટેશનની નીચે બની રહેલું મેટ્રો સ્ટેશન ઘણી રીતે ખાસ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ મેટ્રો સ્ટેશન જમીનથી 33 મીટર નીચે હશે. નોંધનીય છે કે હાલમાં એશિયાનું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન હોંગકોંગમાં છે, જેની ઊંડાઈ લગભગ 60 મીટર છે. એટલે કે હાવડા સ્ટેશન હોંગકોંગ પછી એશિયાનું બીજું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન હશે.
ઈસ્ટ-વેસ્ટ મેટ્રો પ્રોજેક્ટ 16.55 કિમી લાંબો છે. આ પ્રોજેક્ટનો આશરે 10.81 કિમીનો વિસ્તાર ભૂગર્ભ હશે જ્યારે 5.74 કિમી રેલ લાઇન એલિવેટેડ હશે. આ લાઇન પર કુલ 12 સ્ટેશન હશે. આ લાઇન પર હાવડા સ્ટેશન પછીનો માર્ગ કોલકાતાના મહાકરણ (રાઇટર્સ) મેટ્રો સ્ટેશન સુધી પહોંચવા માટે હુગલી નદીની નીચેથી પસાર થશે. આની મદદથી હાવડા અને સિયાલદહ જેવા દેશના સૌથી વ્યસ્ત સ્ટેશનો પણ મેટ્રો સેવા સાથે સીધા જોડાઈ જશે. તેનાથી લાખો મુસાફરોને ઘણો ફાયદો થશે. કેટલાક ભાગોમાં મેટ્રો સેવા શરૂ થઈ ગઈ છે.
કોલકાતા મેટ્રો રેલ કોર્પોરેશનના જીએમ એકે નંદીએ જણાવ્યું કે, ઈસ્ટ વેસ્ટ મેટ્રો પ્રોજેક્ટ પર કામ જાન્યુઆરી 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. હુગલી નદીની નીચે મેટ્રો ટનલ પણ તૈયાર થઈ ગઈ છે. હાવડા મેદાન અને હાવડા મેટ્રો સ્ટેશનનું કામ પણ લગભગ પૂર્ણ થઈ ગયું છે. હવે કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. આવતા વર્ષે જાન્યુઆરી સુધીમાં હાવડા મેદાન સુધી મેટ્રો સેવા સામાન્ય મુસાફરો માટે શરૂ થઈ જશે.
આ પ્રોજેકટની ખાસ વાતો
મહત્તમ સ્પીડ 80 કિમી પ્રતિ કલાક હશે.
નદીની નીચેથી પસાર થવામાં તેને 60 સેકન્ડથી ઓછો સમય લાગશે.
હાવડા મેદાનથી એસ્પ્લેનેડ જવામાં છ મિનિટ લાગશે
કુલ 16.55 કિમીના રૂટમાંથી 10.8 કિમી ભૂગર્ભ છે. તેમાં નદીના ડાઉનસ્ટ્રીમ ભાગનો પણ સમાવેશ થાય છે.
આ સમગ્ર મેટ્રો રૂટ વર્ષ 2023માં તૈયાર થઈ જશે.
વર્ષ 2035 સુધીમાં આ મેટ્રો લાઇન પર 10 લાખ મુસાફરો મુસાફરી કરશે.