લગ્ન સમારંભ પહેલા લગ્નના રજીસ્ટ્રેશનને મદ્રાસ હાઈકોર્ટે અમાન્ય ગણાવ્યું છે. કોર્ટે એવું પણ કહ્યું કે, લગ્ન સમારંભ વગર કોઈ પણ લગ્નના રજીસ્ટ્રેશનને ફેક જ માનવામાં આવશે. હાઈકોર્ટે કહ્યું કે, લગ્નનું રજીસ્ટ્રેશન કરનારા અધિકારીઓની એ ફરજ છે કે તેઓ રજીસ્ટ્રેશન કરતા પહેલા તપાસ કરે કે હકીકતમાં લગ્ન થયા છે કે નહીં. હાઈકોર્ટે એવું પણ કહ્યું કે, કોઈ પણ લગ્ન સમારંભ વિના લગ્નનું રજીસ્ટ્રેશન કરાવી લેવાથી દંપત્તિ પરણિત છે એમ કહી શકાય નહીં.
એક રિપોર્ટ અનુસાર, જસ્ટિસ આર વિજયકુમારે તે મેરેજ સર્ટિફિકેટને રદ કરી દીધું, જેમાં એક મહિલાને ધમકાવીને મેરેજ રજિસ્ટર પર હસ્તાક્ષર કરાવામાં આવ્યા હતા. કોર્ટે કહ્યું કે, લગ્ન સમારંભ વગર વેરિફાઈ કર્યા વિના રજીસ્ટ્રેશન અથોરિટી કેવી રીતે કોઈ પક્ષ દ્વારા રજૂ કરાયેલ અરજીના આધાર પર લગ્નનું રજીસ્ટ્રેશન કરાવી શકે? જો મેરેજ સર્ટિફિકેટ કોઈ લગ્ન સમારંભ પહેલા જારી કરવામાં આવે છે તો તેને ફેક મેરેજ સર્ટિફિકેટ માનવામાં આવશે.
કોર્ટે વધુમાં કહ્યું કે, રજીસ્ટ્રેશન અથોરિટી માત્ર વૈધાનિક રૂપો પર ભરોસો કરી શકે નહીં અને આવી જ રીતે લગ્નના રજીસ્ટ્રેશન કરવા માટે આગળ વધી શકે નહીં. રજીસ્ટ્રેશન અધિકારીને ખુદ આ વાતની તપાસ કરવી જોઈએ કે, શું હકીકતમાં દંપતિએ લગ્ન સમારંભમાં ભાગ લીધો હતો કે નહીં. ન્યાયાધીશે કહ્યું કે, તમિલનાડુ લગ્ન રજીસ્ટ્રેશન અધિનિયમ, 2009ની જોગવાઈઓ અને તે અંતર્ગત બનાવેલા નિયમ સ્પષ્ટ રીતે એ વાત દર્શાવે છે કે, દંપતિ માટે લગ્નના એ સમારંભમાંથી પસાર થવું ફરજિયાત છે, જે તેમના સંબંધિત ધર્મ પર લાગૂ થાય છે.
હકીકતમાં કોર્ટે એક મુસ્લિમ મહિલા દ્વારા પોતાના લગ્નના રજીસ્ટ્રેશનને રદ કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરતા આ ટિપ્પણી કરી. મહિલાએ કહ્યું કે, તેના પિતરાઈ ભાઈએ તેને ખોટુ બોલ્યું હતું કે, તેની માતા બિમાર છે અને બહાનું બનાવીને તેને કોલેજમાંથી લઈ ગયો, જો કે તે તેને ઘરની જગ્યાએ એક સબ-રજિસ્ટ્રારની ઓફિસે લઈ ગયો અને લગ્નના રજીસ્ટર પર સહી કરવા માટે ધમકી આપી હતી.