હવામાં અધવચ્ચે જ આ કેબલ કાર ફસાઈ હતી
ફસાયેલા તમામ લોકો ટૂરિસ્ટ છે.
ટેક્નિકલ ખામીના કારણે કેબલ કાર રસ્તાની વચ્ચે જ ફસાઈ ગઈ હતી
હિમાચલ પ્રદેશમાં સોલન જિલ્લામાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં ટ્રીબર ટ્રેલ રોપવેમાં કેબલ કારમાં આઠ લોકો ફસાયા હતા જેમાં હવામાં અધવચ્ચે જ આ કેબલ કાર ફસાઈ હતી. કેબલ કારમાં ફસાયેલા આ લોકોને રેસ્ક્યૂ ઓપરેશન કરી બચાવી લેવાની કામગીરી હાથધરાઈ છે. ફસાયેલા તમામ લોકો ટૂરિસ્ટ છે. મળતી માહિતી પ્રમાણે સોલનના કોંગ્રેસના ધારાસભ્ય કર્નલ ધની રામ શાંડિલે કહ્યું છે કે ડીસી સાથે વાતચીત કરવામાં આવી છે. શાંડિલે કહ્યું કે ટૂંક સમયમાં જ બધાને બહાર કાઢવામાં આવશે અને સેનાની મદદ લેવામાં આવશે.
ટેક્નિકલ ખામીના કારણે આ કેબલ કાર રસ્તાની વચ્ચે જ ફસાઈ ગઈ હતી અને તેના કારણે સમસ્યા સર્જાઈ હતી.કેબલ કારની અંદર ફસાયેલા લોકોના વીડિયો પણ સામે આવ્યા છે. વીડિયો દ્વારા લોકો તેને બચાવવા માટે અપીલ કરી રહ્યા છે, એક વ્યક્તિએ જણાવ્યું કે તે દોઢ કલાકથી ટ્રોલીની અંદર ફસાયેલો છે અને કોઈ મદદ મળી નથી. જો કે હવામાં ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે અને રાહત અને બચાવ કાર્ય શરુ કરી દેવાયું છે
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા છત્તીસગઢમાં 100 કલાક કરતા પણ વધુ સમયથી ચાલતા રેસ્ક્યૂ ઓપરેશનનો સુખદ અંત આવ્યો છે, અને બોરવેલમાં ફસાયેલા રાહુલે મોતને માત આપી દીધી છે. છત્તીસગઢના જાંજગીર ચાંપામાં બોરવેલમાં ફસાયેલા રાહુલનું રેસ્ક્યુ ઓપરેશન પૂરું થઈ ગયું હતું. લગભગ 104 કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ રાહુલને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો. CM ભૂપેશ બઘેલે રાહુલની બહાર થવા પર ખુશી વ્યક્ત કરી હતી. જણાવ્યું હતું કે, પડકાર મોટો હતો પરંતુ અમારી રેસ્ક્યુ ટીમે સારું કામ કર્યું.