Maharashtra: સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકરના પૌત્ર સાત્યકી અશોક સાવરકરે ગુરુવારે ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે પુણે પોલીસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ તેમની ફોજદારી માનહાનિની ફરિયાદની તપાસમાં વિલંબ કર્યો છે. પોલીસે 2 એપ્રિલના રોજ ફરિયાદ પર અહેવાલ રજૂ કરવા માટે સ્થાનિક કોર્ટ પાસે વધુ સમય માંગ્યા પછી, તેમણે પત્રકારોને કહ્યું કે તપાસ ઝડપી થવી જોઈએ.
નોંધનીય છે કે સાત્યકી સાવરકરે ગયા વર્ષે એપ્રિલમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર માર્ચ 2023માં લંડનમાં આપેલા ભાષણમાં દિવંગત સ્વાતંત્ર્ય સેનાની વિશે ખોટા દાવા કરવાનો આરોપ લગાવ્યો હતો. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં દાવો કર્યો હતો કે સાવરકરે એક પુસ્તકમાં લખ્યું છે કે તેમણે અને તેમના પાંચ-છ મિત્રોએ એકવાર એક મુસ્લિમ વ્યક્તિને માર માર્યો હતો અને સાવરકર ખુશ થયા હતા.
તપાસમાં આટલો વિલંબ શા માટે – સાત્યકી સાવરકર
ફરિયાદીએ જણાવ્યું હતું કે આવી કોઈ ઘટના ક્યારેય બની નથી. આવી કોઈ વાત સાવરકરે ક્યાંય અને ક્યારેય લખી નથી. ફરિયાદીએ રાહુલ ગાંધીના આરોપોને ખોટા અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યા છે. ગુરુવારે પત્રકારો સાથે વાત કરતા, સાત્યકી સાવરકરે જણાવ્યું હતું કે કોર્ટે અગાઉ વિશ્રામબાગ પોલીસને તેમના દ્વારા રજૂ કરાયેલા પુરાવા ચકાસવા અને 27 મે સુધીમાં રિપોર્ટ દાખલ કરવા જણાવ્યું હતું. આવા કિસ્સાઓમાં કોર્ટ સામાન્ય રીતે પ્રાથમિક તપાસ માટે પૂછે છે અને પછી નક્કી કરે છે કે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરવા માટે પૂરતા કારણો છે કે કેમ. સાત્યકીએ કહ્યું કે, તેણે પુરાવા તરીકે રાહુલ ગાંધીના લંડન ભાષણની યુટ્યુબ લિંક સબમિટ કરી હતી. તેમ છતાં પોલીસ દ્વારા તપાસમાં વિલંબ કરવામાં આવી રહ્યો છે.