મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. વાસ્તવમાં મહારાષ્ટ્રમાં ચાલી રહેલ મરાઠા આરક્ષણ આંદોલન સોમવારે હિંસક બન્યું હતું. આ દરમિયાન ગુસ્સે થયેલા લોકોએ NCPના બે ધારાસભ્યોના ઘરોમાં તોડફોડ કરી અને આગ લગાવી દીધી. આવી સ્થિતિમાં સ્થાનિક પ્રશાસને ધારાશિવમાં સાવચેતીના પગલારૂપે કર્ફ્યુ લાદી દીધો છે. કર્ફ્યુ દરમિયાન એક જગ્યાએ પાંચથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ રહેશે. ધારાશિવ જિલ્લા અધિકારી સચિન ઓમ્બાસે સોમવારે રાત્રે આ આદેશ જારી કર્યો છે.
શાળા-કોલેજો બંધ રહેશે
સરકારી આદેશ જણાવે છે કે CrPCની કલમ 144 હેઠળ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને તે આગામી આદેશો સુધી ચાલુ રહેશે. આ આદેશ શાળાઓ, કોલેજો અને વેપારી સંસ્થાઓને પણ લાગુ પડશે. જો કે, દવાઓ અને દૂધ વેચતી દુકાનો, સરકારી કચેરીઓ, જાહેર બસ સેવાઓ, હોસ્પિટલો અને મીડિયાને પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે. મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં મરાઠા આરક્ષણની માંગને લઈને ભૂખ હડતાલ અને દેખાવો થઈ રહ્યા છે. કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસમાં આગ લગાવવાની ઘટના જિલ્લાના ઓમર્ગા તાલુકામાં બની છે.
મરાઠા આંદોલન હિંસક બન્યું
મરાઠા આંદોલન કેટલીક જગ્યાએ હિંસક બની ગયું છે. સોમવારે વિરોધીઓએ ત્રણ ધારાસભ્યોના ઘર અને ઓફિસને આગ લગાવી દીધી હતી. મ્યુનિસિપલ કાઉન્સિલની ઇમારતને પણ નિશાન બનાવવામાં આવી હતી. હિંસાની સૌથી વધુ ઘટનાઓ બીડ જિલ્લામાં બની છે. પ્રશાસને બીડમાં પણ કર્ફ્યુ લાદી દીધો છે. બીડમાં કેટલાક સ્થળોએ પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. બીડમાં એનસીપીની ઓફિસમાં આગ લાગી. એનસીપીના બે ધારાસભ્યોના ઘરોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.