આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ એ જન્મદર વધારવા અંગે નિવેદન આપી સૌ કોઇને ચોકવ્યા છે. આગામી સમયમાં બે થી વધુ બાળકો ધરાવતા લોકો જ સ્થાનિક સંસ્થાની ચૂંટણી લડી શકશે. આ અંગે વહેલી તકે સરકાર કાયદો બનાવશે. નાયડુનું આ નિવેદન દક્ષિણ રાજ્યની સ્થાનિક સમસ્યા પુરતું જ મર્યાદીત છે. તેમ છતા આ મુદ્દે દેશમાં રાજનીતિજ્ઞ સલાહકારો અને સામાજિક કાર્યકરોમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. મહત્વની વાત એ છે કે ભૂતકાળમાં ગુજરાત સહિત દેશનાં અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી લડતા ઉમેદવારોની ફોર્મની ચકાસણી દરમ્યાન રાજનીતિ ગરમાવાની ઘટનાઓ ઘટી છે. ઉમેદવારોની ઉમેદવારી રદ થવાનાં કારણે મોટાપાયે રાજકીય ઉથલપાથલ થવાના દાખલા છે. વિશ્વમાં ભારત વસ્તીની દ્રષ્ટિએ બીજા નંબરે છે. જે ભારતની એક મોટી સમસ્યા છે. ત્યારે એક નજર ભારતની વધતી જતી વસ્તી સમસ્યા અને ધટતા જતા યુવાનોની સંખ્યા ઉપર….
ભારત યુવાનોનો દેશ છે, સરકાર યુવાનો પ્રત્યે હકારાત્મક અભિગમ ધરાવે છે. નવી નવી પ્રોત્સાહક નીતિઓ થકી વિકાસ વધારવાનો પ્રયત્નો કરી રહી છે. સ્ટાર્ટઅપ યોજનાને કારણે દેશમાં નવીનીકરણનો યુગ શરૂ થયો છે. નવી નવી ટેક્નોલોજી વિકસી રહી છે. વિશ્વભરમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. ભારત વિશ્વગુરુ બનવાની હરોળમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે. દેશનાં દુશમનોને યુવાનો આંખનાં કણાની જેમ ખૂંચી રહ્યા છે. આર્થિક વિકાસમાં અડચણ બનીને ઉભેલા યુવાનોને ચીન સહીત અમુક દેશોએ કણાને જ નહીં આંખોનેજળમૂળથી કાઢવાની તૈયારીઓ કરી છે. ખાણીપીણી અને મોજ મસ્તીની આડમાં યુવાઓને ગુમરાહ કરવાની કોશિશ જોરશોરથી શરૂ કરી છે. તાજેતરમાં દેશ ભરમાં એક ચર્ચાએ જોર પકડ્યું કે ચીને પાકિસ્તાન સાથે મળીને ભારતમાં ષડયંત્ર રચ્યું છે. દિવાળીમાં સસ્તા ફટાકડા નિકાસ કરીને કાર્બન મોનોક્સાઇડથી બિમારીનાં ખાટલા વધારવાની નાપાક યોજના ઘડી છે. ઉલ્લેખનીય છે કે ચીની મોબાઇલ સહીત મોજશોખની ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓએ ભારતમાં બાળકોથી લઇને યુવાનો અને આધેડોની આંખો આંજી દીધી છે. ભારતીયોએ મેદાન છોડી મોબાઇલ પકડી રહ્યા છે. જ્યારે ચીનીઓ ભારતીય પરંપરાગત રમતો રમી મેદાનમાં આવી રહ્યા છે.
ભારત અને ચીન વચ્ચે ખટરાગ સમયાંતરે વધતો રહ્યો છે. આર્થિક અસમાનતા વધતી રહી છે. સામાજિક સમરસતા બદલાઇ રહી છે. આગામી સમયમાં વસ્તીની દ્રષ્ટિએ હવે ધરખમ ઉથલપાથલ સર્જાય તો નવાઇ નહીં. આગાહીકારોનાં મત પ્રમાણે 2030 માં ભારત ચીન વસ્તીની દ્રષ્ટિએ સમાન થશે અને 2050 સુધીમાં ભારત ચીનને વસ્તીની દ્રષ્ટિએ પાછળ છોડી દેશે. ગંભીર વાત એ છે કે વધતી જતી વસ્તીમાં યુવાનોની સંખ્યા ઘટશે. ભારતમાં ચૂંટણી લડવાની લાલચ આપી વસ્તી વધારવાની વાત ફાયદો કે નુકસાન ખરેખર ચર્ચાનો વિષય છે.
દેશમાં સરેરાશ પ્રજનન દર 2.1 છે, જ્યારે દક્ષિણ રાજ્યોમાં આ આંકડો ઘટીને 1.6 થઈ ગયો છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ એ જન્મદર વધારવાનું નિવેદન આપ્યું છે. ઉલ્લેખનિય છે કે ભારત વૃદ્ધ થઈ રહ્યું છે. યુવાનોની વસ્તી સતત ઘટી રહી છે. જે ચિતાનો વિષય છે. યુથ ઈન ઈન્ડિયા 2022નાં એક રિપોર્ટ પ્રમાણે 2036 સુધીમાં દેશની માત્ર 34.55 કરોડ વસ્તી જ યુવાનોની હશે, જે હાલમાં 47% કરતા વધુ છે. હાલમાં દેશમાં 15 થી 25 વર્ષની વચ્ચે 25 કરોડ યુવાનો છે. આગામી 15 વર્ષમાં તે ઝડપથી ઘટશે. 2036 સુધીમાં, 12%થી વધુ વસ્તી વૃદ્ધ હશે યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડનાં ઈન્ડિયા એજીંગ રિપોર્ટ 2023 અનુસાર, 2011માં ભારતમાં યુવા વસ્તીની સરેરાશ ઉંમર 24 વર્ષ હતી, જે હવે 29 વર્ષ થઈ ગઈ છે. ભારતમાં વૃદ્ધોની વસ્તી 2036 સુધીમાં 12.5%, 2050 સુધીમાં 19.4% અને સદીના અંત સુધીમાં 36% થઈ જશે.