Kashmir: 22 એપ્રિલની સાંજે ટાર્ગેટ કિલિંગની ઘટનાથી જમ્મુ-કાશ્મીરની શાંતિપૂર્ણ ખીણ ફરી એકવાર હચમચી ગઈ છે. રાજૌરી જિલ્લામાં મસ્જિદમાંથી બહાર આવી રહેલા એક સરકારી કર્મચારીને હુમલાખોરોએ ગોળી મારી દીધી હતી. મૃતકની ઓળખ 40 વર્ષીય મોહમ્મદ રઝાક તરીકે થઈ છે. 20 વર્ષ પહેલા આતંકીઓએ તેના પિતાની હત્યા કરી નાખી હતી. આ વખતે દીકરો આતંકીઓનો શિકાર બન્યો છે. કાશ્મીરમાં તેમના ઘરમાં શોકનો માહોલ છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ જમ્મુ-કાશ્મીર પોલીસને ટાંકીને કહ્યું કે રઝાકનો ભાઈ ટેરિટોરિયલ આર્મીમાં કામ કરે છે. લોકસભા ચૂંટણી વચ્ચે બે અઠવાડિયામાં ઘાટીમાં ત્રીજા હુમલાથી વિસ્તારના લોકોમાં ગભરાટ વધી ગયો છે. અનંતનાગમાં હાલમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. અહીં 7મી મેના રોજ મતદાન થશે.
20 વર્ષ પહેલા પિતાની હત્યા કરી હતી
સોમવારે સાંજે જ્યારે રઝાકને ગોળી વાગી ત્યારે તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના શાદરા શરીફ વિસ્તારમાં બની હતી. આ ઘટના બાદ સુરક્ષા દળોએ મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને ઝડપથી સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. રઝાકનો પરિવાર ખીણમાં બીજી વખત ટાર્ગેટ કિલિંગનો ભોગ બન્યો છે. તેના પિતા મોહમ્મદ અકબરની 20 વર્ષ પહેલા આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી.
પરિવારમાં શોક
મોહમ્મદ રઝાકના ઘરમાં શોકનો માહોલ છે. રઝાક સમાજ કલ્યાણ વિભાગમાં નોકરી કરતો હતો. રઝાકની હત્યા પર, જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું, “…દસ દિવસમાં આ ત્રીજી હત્યા છે. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના.” આ સાથે જ કોંગ્રેસે ઘાટીમાં આતંકવાદી ઘટનાઓના મુદ્દે કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું.