Karnataka: કર્ણાટકના લચાયણ ગામમાં બુધવારે સાંજે એક દોઢ વર્ષનું બાળક બોરવેલમાં પડી ગયું હતું. પડ્યા બાદ તે 15-20 ફૂટની ઉંડાઈમાં ફસાઈ ગયો હતો. બાળકની ઓળખ સાત્વિક મુજાગોંડ તરીકે થઈ છે જે વિજયપુરા જિલ્લામાં બોરવેલમાં પડી ગયો હતો. NDRF અને SDRFએ 20 કલાકની મહેનત બાદ બાળકને બોરવેલમાંથી બહાર કાઢ્યું છે.
20 કલાક બાદ બાળકને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર બાળક ઘર પાસે રમતા બોરવેલમાં પડી ગયું હતું. આ બોરવેલ બાળકના પિતાની ચાર એકર જમીનમાં ખોદવામાં આવ્યો હતો. બુધવારે સાંજે 6.30 કલાકે બાળકને બચાવવાનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ થયું હતું. બાળકને બોરવેલમાંથી બહાર કાઢવા માટે પોલીસની ટીમો, મહેસૂલ અધિકારીઓ, પંચાયતના સભ્યો, ફાયર વિભાગના અધિકારીઓ અને ઈમરજન્સી સેવાઓ સ્થળ પર હાજર હતી. 20 કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ બાળકને બોરવેલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.
પોલીસે જણાવ્યું કે બાળકને ઓક્સિજન પહોંચાડવા માટે બોરવેલમાં પાઇપ નાખવામાં આવી હતી. વીડિયો ફૂટેજમાં બાળક તેના પગ હલાવતો જોવા મળ્યો હતો.
કર્ણાટકના મંત્રીએ સોશિયલ મીડિયા પર આ ઘટના શેર કરી હતી
કર્ણાટકના મંત્રી એમબી પાટીલે આ ઘટનાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરી હતી. રાજ્ય મંત્રીએ કહ્યું હતું કે તેમણે વિજયપુરા જિલ્લા વહીવટીતંત્રને ઝડપથી કામગીરી હાથ ધરવા નિર્દેશ આપ્યો હતો. આ સાથે તેણે બાળક માટે પ્રાર્થના પણ કરી હતી.