Karnataka: પીવાના પાણીની તંગીનો સામનો કરી રહ્યું છે. આ જળ સંકટ વચ્ચે એપ્રિલમાં વધતા તાપમાને શહેરીજનોની સમસ્યામાં વધારો કર્યો છે. બેંગ્લુરુમાં અત્યારે ૩૮ ડિગ્રી જેટલું ઊંચું વિક્રમી તાપમાન અનુભવાઈ રહ્યું છે. કર્ણાટકના અનેક શહેરોમાં તાપમાનનો પારો વિક્રમી સ્તરે પહોંચ્યો છે, જેમાં કલબુર્ગી જિલ્લામાં સૌથી વધુ ૪૨.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કલબુર્ગીમાં તાપમાન શનિવારે ૪૩.૧ ડિગ્રી અને રવિવારે ૪૩.૧ ડિગ્રી નોંધાયું હતું.
શહેરમાં વિકાસ પ્રોજેક્ટના આડેધડ અમલના કારણે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે ઃ લોકોએ દિનચર્યા બદલવાની ફરજ પડી
આઈટી હબ બેંગ્લુરુમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાન ૩૮ ડિગ્રી સે.ની ઉપર પહોંચી ગયું છે , જે એપ્રિલના અત્યાર સુધીના સૌથી વધુ તાપમાનની નજીક પહોંચી ગયું છે. વર્ષ ૨૦૧૬માં બેંગ્લુરુમાં તાપમાન ૩૯.૨ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. હાલમાં બેંગ્લુરુનું તાપમાન એપ્રિલના સામાન્ય તાપમાન કરતાં ઓછામાં ઓછું ત્રણ ડિગ્રી સુધી વધુ છે. આ સિવાય બગલકોટ, કોપ્પલ, ચમારાજાનગર, ચિકમંગ્લુરુ, દાવણગેરે, હસન, માન્ડયા અને વિજયપુરા જિલ્લાઓમાં પણ તિવ્ર ગરમી અનુભવાઈ રહી છે. વધુમાં આગામી ૨૪ કલાકમાં બેલગાવી, બિદર, વિજયપુરા, બગલકોટ, ગડાગ, કલબુર્ગી જેવા જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, કર્ણાટકના ઉત્તરીય જિલ્લાઓ, બેંગ્લુરુ ગ્રામીણ અને શહેરી જિલ્લા, રમનગારા, શિવમોગા, દાવણગેરે, મૈસૂર, માંડયા, તુમકુરુ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં તાપમાન બેથી ચાર ડિગ્રી સુધી વધવાની સંભાવના છે.
બેંગ્લુરુમાં પારો ચઢવા પાછળના કારણ તરફ ઈશારો કરતા હવામાન વિજ્ઞાાની ડૉ. એન. પુવિયારાસને કહ્યું કે, બેંગ્લુરુમાં ગયા વર્ષે ઉત્તર-પૂર્વીય ચોમાસામાં ઓછો વરસાદ થયો હતો. શિયાળામાં બેંગ્લુરુમાં પણ વરસાદ થયો નથી. જેનું મુખ્ય કારણ જળવાયુ પરિવર્તન એટલે કે ક્લાઈમેટ ચેન્જ અને અલ નીનોની સ્થિતિ હતી. અલ નીનોની અસર નબળી ચોમાસુ હવા અને ઓછા વરસાદ સાથે સંકળાયેલ છે. તેની અસર હવે બેંગ્લુરુ પર જોવા મળી રહી છે.
ભારતીય હવામાન વિભાગ સાથે કામ કરતા ડૉ. પુવિયારાસને કહ્યું કે, અત્યંત ઝડપથી વધી રહેલા શહેરીકરણના કારણે પણ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં બદલાઈ રહેલા તાપમાનની અસર લોકોની દિનચર્યા પર પણ થવા લાગી છે. એક રહેવાસીએ કહ્યું, વધતા તાપમાન અને પાણીની સમસ્યાએ મારી દિનચર્યા બદલી નાંખી છે. પહેલા હું બપોરે ભોજન કરવીને થોડુંક ચાલવા જતો હતો, પરંતુ હવે એવું વિચારવું પણ ભયાનક છે. અત્યારે મારી પાસે એસી ઓફિસમાં બેસી રહેવા સિવાય બીજો વિકલ્પ નથી. હું ૧૦ વર્ષ પહેલા અહીં આવ્યો ત્યારે આવી સ્થિતિ નહોતી. અમે ક્યારેય આવું આકરું તાપમાન જોયું નથી.
બેંગ્લુરુમાં માત્ર દિવસે જ ગરમી અનુભવાય છે તેવું નથી. લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ લઘુત્તમ તાપમાન ૨૩ ડિગ્રી સે. નોંધાયું હતું, જે દિલ્હી અને ગુરુગ્રામ કરતાં પણ અનેક ઘણું વધુ છે. કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે વિકાસ પ્રોજેક્ટના બેદરકારીપૂર્ણ અમલના કારણે શહેરમાં આ સ્થિતિ જોવા મળી રહી છે.