ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે માહિતી આપી છે કે નડ્ડાનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. નડ્ડાની અધ્યક્ષતામાં લોકસભા ચૂંટણી લડવામાં આવશે અને જૂન 2024 સુધી જેપી નડ્ડા ભાજપના અધ્યક્ષ રહેશે. શાહે એમ પણ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ભાજપે સારું પ્રદર્શન કર્યું છે. નડ્ડા મોદીની લોકપ્રિયતાને વોટમાં બદલવામાં સફળ રહ્યા છે. મન કી બાતને જાહેર કાર્યક્રમ બનાવવામાં ભાજપ સફળ રહ્યું છે. 2019 કરતા 2024માં વધુ સીટો જીતશે.
શાહે કહ્યું કે ભાજપની નીતિઓને ઘરે-ઘરે પહોંચાડવામાં નડ્ડાનું યોગદાન મહત્વપૂર્ણ છે. તેમના નેતૃત્વમાં ભાજપે ઘણી ચૂંટણીઓ જીતી હતી. તેમણે અપના બૂથ સબસે મજબૂત અભિયાનમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. નડ્ડાએ સંગઠનને મજબૂત બનાવ્યું અને તેના વિસ્તરણમાં તેમનો ફાળો ઘણો મોટો છે.
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં નડ્ડાએ શું કહ્યું?
સોમવારે દિલ્હીમાં યોજાયેલી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં નડ્ડાએ કહ્યું હતું કે પાર્ટીએ આ વર્ષે નવ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી જીતવી પડશે. જો તમારે લોકસભાની ચૂંટણી જીતવી હોય તો તમારે આ 9 ચૂંટણીઓ જીતીને શરૂઆત કરવી પડશે. નડ્ડાએ એમ પણ કહ્યું હતું કે આપણે 72 હજાર બૂથ મજબૂત કરવાના છે. નબળા બૂથને સુધારવું પડશે. ભાજપ એક લાખ ત્રીસ હજાર બૂથ સુધી પહોંચી ગયું છે.